Neeraj Chopraની વધુ એક સિદ્ધિ, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચ્યો ગોલ્ડન બોય
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 24 વર્ષના નીરજ ચોપરાની સાથે દુનિયાભરના 34 જેવલિન થ્રોઅર પણ હતા. હવે ફાઈનલ ભારતીય સમયાનુસાર રવિવારે સવારે થશે. ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજે પોતાના પહેલા જ પ્રયાસમાં 88.39 મીટર દૂર ભાલો ફેંકીને મેન્સ ઈવેન્ટની ફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી.
નવી દિલ્લી: ઓલિમ્પિકના ગોલ્ડન બોય ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ અમેરિકાના યૂઝિનમાં ચાલી રહેલા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ધૂમ મચાવી દીધી છે. તેણે આ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહેલીવાર ક્વોલિફાય કર્યું છે. ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજે પોતાના પહેલા પ્રયાસમાં 88.39 મીટર દૂર ભાલો ફેંકીને મેન્સ ઈવેન્ટની ફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી. આ ચેમ્પિયનશીપમાં 24 વર્ષના નીરજ ચોપરાની સાથે દુનિયાભરના 34 જેવલિન થ્રોઅર પણ હતા.
નીરજે કારકિર્દીનો ત્રીજો બેસ્ટ થ્રો કર્યો:
વર્લ્ડ એથ્લેટિક્સની ચેમ્પિયનશીપમાં ફાઈનલ માટે જંગ જોવા મળ્યો. જેમાં બધાને બે ગ્રૂપમાં રાખવામાં આવ્યા હતા. જેમાં ગ્રુપ એમાં રહેલા નીરજે પોતાની કારકિર્દીનો ત્રીજો બેસ્ટ થ્રો કરતાં ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું. નીરજ ઉપરાંત ભારતના જ એથ્લેટ રોહિત યાદવ પણ ગ્રુપ બીમાં મુકાબલો કરતા જોવા મળશે.
રવિવારે થશે ગોલ્ડ માટે જંગ:
આ મેન્સ ઈવેન્ટના 34 જેવલિન થ્રોઅરમાંથી નીરજ ચોપરા સહિત ટોપ-12 સ્ટાર પ્લેયર્સે ક્વોલિફાય કર્યુ. હવે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ માટે 12 એથ્લેટ વચ્ચે ભારતીય સમય પ્રમાણે રવિવારે સવારે 7 કલાક અને 5 મિનિટે જંગ જોવા મળશે. નીરજની સાથે ચેક ગણરાજ્યના જાકુબ વાદલેજ્ચેએ પણ પોતાના પહેલા પ્રયાસમાં 85.23 મીટર દૂર ભાલો ફેંકીને ફાઈનલ માટે ક્વોલિફાય કર્યુ છે.
નીરજનું શાનદાર પ્રદર્શન યથાવત:
- 14 જૂને ફિનલેન્ડમાં પાવો નુર્મી રમતમાં 89.30 મીટર દૂર ભાલો ફેંક્યો
- 30 જૂને સ્ટોકહોમ ડાયમંડ લીગમાં 89.94 મીટર દૂર ભાલો ફેંક્યો
- ગ્રેનેડાની ડાયમંડ લીગમાં 90.31 મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો