Thomas Cup Badminton: બેડમિન્ટનમાં દુનિયાભરમાં વાગ્યો ભારતનો ડંકો, જીત બદલ PM મોદીએ આપ્યાં અભિનંદન
બેડમિન્ટનની રમતમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતે થોમસ કપ પોતાના નામે કરી દીધો છે.
નવી દિલ્લીઃ બેડમિન્ટનની રમતમાં ભારતે આજે એક નવો ઈતિહાસ રચી દીધો છે. ખુબ જ સંઘર્ષ કરીને થોમસ કપની ફાઈનલમાં પહોંચી ભારતે પહેલીવાર આ કપ પોતાના નામે કરી લીધો છે. ભારતે બેડમિન્ટના થોમસ કપની ફાઈનલમાં શાનદાર જીત હાંસલ કરીને વૈશ્વિક ફલક પર તિરંગો લહેરાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ભારતીય ટીમના ખેલાડીઓને અભિનંદન પાઠવ્યાં. પીએમ મોદીએ પોતાની શુભેચ્છામાં લખ્યુંકે, ભારતીય બેડમિન્ટન ટીમે એક નવો ઈતિહાસ રચી દીધો છે. દેશને તમારા બધા પર ગર્વ છે. અન્ય ખેલાડીઓને પણ તમારામાંથી જીતની પ્રેરણા મળશે. ભારતની જીતથી સમગ્ર દેશ ઉત્સાહિત છે.
આ સાથે જ રમતગમત મંત્રાલય તરફથી થોમસ કપ વિજેતા ટીમને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રિય સ્પોટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે આ જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે પણ ટીમના તમામ ખેલાડીઓને થોમસ કપની ફાઈનલમાં શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યાં છે. ભારતીય ટીમે મલેશિયા અને ડેનમાર્ક જેવી ટીમોને હરાવીને પ્રથમ વખત ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેથી ટીમનો આત્મવિશ્વાસ ઘણો મજબૂત હતો. હવે ફાઇનલમાં 14 વખતના રેકોર્ડ ચેમ્પિયન ઇન્ડોનેશિયાને હરાવીને ઇતિહાસ રચાયો છે.
14 વખતના ચેમ્પિયન ઈન્ડોનેશિયાને ભારતીય યુવા ટીમે આસાનીથી હરાવ્યું, ઉલ્લેખનીય છેકે, છેલ્લાં 73 વર્ષ પછી ભારતીય ટીમે પહેલીવાર બેડમિન્ટનની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતીય બેડમિન્ટન ટીમે રવિવારે થોમસ કપની ફાઇનલમાં 14 વખતની ચેમ્પિયન ઇન્ડોનેશિયાને 3-0થી હરાવીને ઇતિહાસ રચ્યો હતો. ભારતે હરાવીને ઈતિહાસ રચ્યો અને પ્રથમ વખત થોમસ કપનો ખિતાબ જીત્યો.
ભારત માટે લક્ષ્ય સેને ઈન્ડોનેશિયાના એન્થોની ગિંટીંગને 21-8 17-21 16-21થી હરાવી ટીમને 1-0ની મહત્વપૂર્ણ લીડ અપાવી હતી. આ પછી, ભારતની સાત્વિક અને ચિરાગની જોડીએ ડબલ્સમાં જોરદાર રમત બતાવી, 18-21, 23-21, 21-19થી જીત મેળવીને ટીમને 2-0ની સરસાઈ અપાવી. ત્યાર બાદ ત્રીજી મેચમાં કે શ્રીકાંતે જોનાથનને સીધી ગેમમાં 21-15, 23-21થી હરાવીને ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી અને ટીમને 3-0ની સરસાઈ અપાવી હતી.
ફાઇનલ મેચ માટે ભારતીય ટીમ:
સિંગલ્સ: લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાંત, એચએસ પ્રણય, પ્રિયાંશુ રાજાવતી.
ડબલ્સ: સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી-ચિરાગ શેટ્ટી, વિષ્ણુવર્ધન ગૌર પંજલા-કૃષ્ણ પ્રસાદ ગરાગા, એમઆર અર્જુન-ધ્રુવ કપિલા.લાઈવ ટીવી