નવી દિલ્લીઃ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલાં ટી20 વર્લ્ડ કપમાં ધીરેધીરે ક્રિકેટનો રોમાંચ વધી રહ્યો છે. હવે લીગ મેચ બાદ સિલસિલો રસ્કા-કસ્સી તરફ આગળ વધી રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ પહેલી મેચ આવતીકાલે પાકિસ્તાન સામે મેલબોર્ન ખાતે રમશે. લાંબા સમયથી ક્રિકેટ ચાહકો આ મેચની રાહ જોઈ રહ્યાં હતાં. તેને કારણે ઓસ્ટ્રેલિયામાં પણ સ્ટેડિયમ ખિચોખિચ ભરેલું જોવા મળશે. આ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના એક નિવેદનથી ફરી એકવાર મામલો ચર્ચામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારે કેપ્ટન રોહિત શર્માને પાકિસ્તાન અંગે સવાલ પૂછ્યો. પ્રેસમાં રોહિતને ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જશે કે કેમ તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આનો જવાબ આપતા રોહિતે કહ્યું કે, મારું માનવું છે કે અમે વર્લ્ડ કપ રમવા આવ્યા છીએ અને અમારે તેના પર જ ધ્યાન આપવું જોઈએ કારણકે તે અમારા માટે મહત્ત્વપૂર્ણ છે.


રોહિત શર્માએ ખુબ સારી રીતે જવાબ આપતા કહ્યુંકે, આગળ શું થવાનું છે એની અમને ચિંતા નથી. એશિયા કપ અંગેનો અંતિમ નિર્ણય પણ બીસીસીઆઈ જ લેશે. અમે આ સમયે માત્ર વર્લ્ડ કપ વિશે જ વિચારી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાન પાસે છે પરંતુ BCCIના સચિવ જય શાહે પહેલા જ કહી દીધું છે કે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય.


રોહિત શર્માએ આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને તેની ટીમના ખેલાડીઓ પર કોઈ દબાણ નથી. તેણે કહ્યું કે, પાકિસ્તાન સામેની પ્લેઈંગ ઈલેવનનો નિર્ણય મેચના દિવસે મેલબોર્નના હવામાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે કારણ કે અહીંનું હવામાન ક્ષણે ક્ષણે બદલાઈ રહ્યું છે. રોહિત શર્માએ ફાસ્ટ બોલર મોહમ્મદ. શમીના વખાણ કર્યા અને કહ્યું કે તે લયમાં છે. રોહિત શર્માએ એમ પણ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે મેલબોર્નની મેચ સંપૂર્ણ 40 ઓવરની હોય, પરંતુ જો ઓવર ઓછી થાય તો અમે તૈયાર છીએ. આ મેચમાં ટોસ મહત્વપૂર્ણ બની રહેશે.