World Cup 2023: આજનો દિવસ ટીમ ઈન્ડિયા માટે ખુબ જ મહત્ત્વનો છે. કારણકે, આજથી ભારત પોતાના વિશ્વ કપ અભિયાનનો પ્રારંભ કરશે. ચેન્નાઈથી ટીમ ઈન્ડિયાના વર્લ્ડ કપ મિશનની શરૂઆત થશે. આજે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાશે મહામુકાબલો. એક તરફ હશે રોહિત શર્માની શાનદાર ટીમ તો બીજી તરફ હશે પેટ કમિન્સની કમિડેટ ટીમ. પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરવો પડશે. ભારતની બેટિંગ વર્લ્ડ ક્લાસ છે તો ઓસ્ટ્રેલિયાનું ઝડપી આક્રમણ પણ ઓછું નથી. ચેન્નાઈની આકરી ગરમી તેમના માટે મોટો પડકાર સાબિત થશે. મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ તેના અડધા કલાક પહેલા એટલે કે બપોરે 1.30 વાગ્યે પ્રારંભ...મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, વર્લ્ડકપની શરૂઆત પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 2-1થી જીત મેળવી હતી. જોકે, પ્રથમ બે મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માટે કેટલાક મોટા ખેલાડીઓ ગેરહાજર હતા. આ બંને વન-ડે ભારતે જીતી હતી.


વર્લ્ડકપમાં આ વખતની ભારતીય ટીમઃ
ભારત પાસે એક એવો કેપ્ટન છે જે 19મી નવેમ્બરે પોતાના હાથમાં કપ ઉંચકીને ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં નવો અધ્યાય લખવા માંગે છે. 35 વર્ષીય વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડવા માટે વધુ ત્રણ વનડે સદી ફટકારવી પડશે. ભારતીય ટીમમાં એવા નવ ખેલાડીઓ છે જેઓ એક અથવા વધુ વર્લ્ડકપ રમ્યા છે. વળી, છ ખેલાડીઓ માટે આ પહેલો વર્લ્ડકપ છે. જ્યારે વિરાટ કોહલી આ વખતે પોતાનો ચોથો વર્લ્ડ કપ રમી રહ્યો છે. 


ભારત માટે આજની મેચનું મહત્ત્વઃ
રોહિત શર્મા, વિરાટ કોહલી અને કુલદીપ યાદવ સહિતના મહત્વના ખેલાડીઓ ત્રીજી વનડેમાં પરત ફર્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમ પણ પોતાની પૂરી તાકાતથી રમી હતી. ઓસ્ટ્રેલિયાએ તે ત્રીજી વનડે સરળતાથી જીતી લીધી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ મેચમાં સાવચેતીથી રમવું પડશે. દરેક દિગ્ગજ ક્રિકેટર માને છે કે વર્લ્ડકપ જીતવા માટે ઓસ્ટ્રેલિયાને હરાવવા ખૂબ જ જરૂરી છે. કાંગારુઓને ક્યારેય ઓછો આંકી શકાય નહીં.


ચેપોકમાં પ્રદર્શનઃ
ચેન્નાઈના ચેપૉકમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચ રમાઈ છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ એક મેચ અને ઓસ્ટ્રેલિયાએ બે મેચ જીતી છે. ચેપોકમાં બંને વચ્ચે માત્ર એક જ ODI મેચ રમાઈ છે. 1987ના વર્લ્ડકપમાં રમાયેલી આ મેચ ઓસ્ટ્રેલિયાએ એક રનથી જીતી હતી.


હેડ ટૂ હેડ રેકોર્ડ:
બંને ટીમો વનડેમાં કુલ 149 વખત આમને-સામને આવી ચુકી છે. તેમાંથી ભારતે 56 મેચ જીતી હતી જ્યારે ઓસ્ટ્રેલિયાએ 83 મેચ જીતી હતી. 10 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. બંને ટીમ ભારતમાં 70 વખત આમને-સામને આવી ચૂકી છે. તેમાંથી ટીમ ઈન્ડિયાએ 32 મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ 33 મેચ જીતી છે. પાંચ મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા 2019 વર્લ્ડકપના અંત પછી વનડેમાં 12 વખત સામસામે આવી ચૂક્યા છે. આ દરમિયાન બંનેએ છ-છ મેચ જીતી છે.


3 સ્પિનરોને મળશે સ્થાન!
ભારતીય કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે જ્યારે ટીમ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ માટે મેદાનમાં ઉતરશે ત્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફાસ્ટ બોલિંગને કારણે તેની પાસે પ્લેઈંગ-11માં 3 સ્પિનરોનો સમાવેશ કરવાનો વિકલ્પ હશે. સ્પિન અટેકની વાત કરવામાં આવે તો ભારત પાસે લેગ સ્પિનર ​​કુલદીપ યાદવ, ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની તિકડી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ અંગે સંકેત આપ્યો હતો કે ચેપોકમાં આ ત્રણેયને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. ચેન્નાઈની પીચ સ્પિનરો માટે મદદરૂપ માનવામાં આવે છે.


ક્યાં-ક્યાં જોઈ શકશે મેચ?
ક્રિકેટ ચાહકો આ મેચ તમામ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો જેમ કે સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ એચડી, સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી અને સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર તમામ પ્રાદેશિક ભાષાઓમાં જોઈ શકશે. આ સિવાય જો તમે તમારા મોબાઈલ ફોન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ શાનદાર મેચનો આનંદ માણવા માંગતા હોવ તો તમારે તમારા ફોનમાં Disney Plus Hotstar એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપમાં મેચ જોવા માટે તમારે એક રૂપિયો સબસ્ક્રિપ્શન ચાર્જ ચૂકવવો પડશે નહીં. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ વર્લ્ડ કપ મેચ તમે બિલકુલ ફ્રીમાં જોઈ શકશો. આ સિવાય જો તમારે આ મેચની કોમેન્ટ્રી સાંભળવી હોય તો તમારે ઓલ ઈન્ડિયા રેડિયોની ચેનલ પ્રસાર ભારતી પર જવું પડશે, જ્યાં તમે રેડિયો પર આ મેચની કોમેન્ટ્રી સાંભળી શકશો.


ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ, શુભમન ગીલ, શાર્દુલ ઠાકુર.


ઓસ્ટ્રેલિયન ટીમ:
પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, જૉશ ઈંગ્લિસ, શૉન એબૉટ, માર્નસ લાબુશેન, કેમેરોન ગ્રીન, જૉશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઈનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા, મિશેલ સ્ટાર્ક.