નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટના મામલા પર નજર રાખી રહેલી પ્રશાસકોની સમિતિ (CoA)આગામી બેઠકમાં એસ. શ્રીસંત પર લાગેલા આજીવન પ્રતિબંધની ચર્ચા કરશે કારણ કે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને ફાસ્ટ બોલરની સજા પર પુનર્વિચાર કરવાનું કહ્યું છે. જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચે કહ્યું કે, બીસીસીઆઈની અનુશાસનાત્મક સમિતિ શ્રીસંતને આપેલી સજાના સમયગાળા પર 3 મહિનાની અંદર પુનર્વિચાર કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેન્ચે સ્પષ્ટ કર્યું કે પૂર્વ ક્રિકેટરને સજા આપતા પહેલા તેના સમયગાળા વિશે શ્રીસંતનો પક્ષ સાંભળવો જોઈએ. સીઓએ પ્રમુખ વિનોદ રાયે કહ્યું કે, હાં, મેં સુપ્રીમ કોર્ટના આદેશ વિશે સાંભળ્યું છે. અમારે આદેશની કોપી પ્રાપ્ત કરવી પડશે. અમે ચોક્કસપણે સીઓએની બેઠકમાં આ મુદ્દા વિશે ચર્ચા કરીશું. 


સીઓએ 18 માર્ચે યોજાનારી બેઠકમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) અધિકારીઓની સાથે બોર્ડની ડોપિંગ વિરોધી નીતિ પર ચર્ચા કરશે. આ દિવસે શ્રીસંતના પ્રતિબંધનો મુદ્દો પણ ઉઠી શકે છે. બીસીસીઆઈની પાસે હવે જસ્ટિસ (નિવૃત) ડીકે જૈનના રૂપમાં નવા લોકપાલ અને મધ્યસ્થ પીએસ નરસિમ્હા છે, જેથી આશા છે કે નિર્ણય ઝડપથી આવશે. 


બીસીસીઆઈના કાર્યકારી અધ્યક્ષ સીકે ખન્નાએ સ્પષ્ટ કરહ્યું કે, આ સંપૂર્ણ રીતે સીઓએનો નિર્ણય હશે કારણ કે તેના પર સર્વોચ્ચ ન્યાયાલયના આદેશને લાગૂ કરવાની જવાબદારી હશે. ખન્નાએ કહ્યું, આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે અને ચોક્કસપણે તેનો નિર્ણય લેવાની જરૂર છે. મને વિશ્વાસ છે કે સીઓએની આગામી બેઠકમાં આ મુદ્દા પર ગંભીર ચર્ચા થશે. જ્યાં સુધી શ્રીસંતને ક્રિકેટની મુખ્યધારામાં લાવવાની વાત છે, તો હું તેના પર કોઈ ટિપ્પણી ન કરી શકું. 


સ્પોટ ફિક્સિંગ મામલામાં ક્રિકેટર શ્રીસંતને રાહત, સુપ્રીમ કોર્ટે આજીવન પ્રતિબંધ હટાવ્યો

બીસીસીઆઈના પૂર્વ ઉપાધ્યક્ષ અને કેરલ ક્રિકેટ સંઘના વરિષ્ઠ અધિકારી ટીસી મૈથ્યૂએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું, હું શ્રીસંત માટે ખુશ છું. તેણે પોતાની જિંદગીના છ મહત્વપૂર્ણ વર્ષ ગુમાવી દીધા છે. મને નથી લાગતું કે જો પ્રતિબંધ હટાવી લેવામાં આવે તો તે પ્રથણ શ્રેણી ક્રિકેટ રમી શકે છે. 


મૈથ્યૂએ કહ્યું, પરંતુ બીસીસીઆઈ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેનો પ્રતિબંધ હટાવી લે તો તે ક્રિકેટ સંબંધિત કરિયર અપનાવી શકે છે. તે કોચ, મેન્ટોર કે પછી પ્રોફેશનલ અમ્પાયરિંગમાં હાથ અજમાવી શકે છે. તે ઈંગ્લેન્ડમાં પણ ક્લબ ક્રિકેટ રમી શકે છે.