હૈદરાબાદઃ  ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024નો 66મો મુકાબલો પણ વરસાદને કારણે રદ્દ થઈ ગયો છે. હૈદરાબાદમાં વરસાદ અને ખરાબ વાતાવરણને કારણે ટોસ થયા વગર મેચ રદ્દ થઈ ગઈ છે. મેચ રદ્દ થવાને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. મેચ રદ્દ થવાને કારણે બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યો છે. આ પોઈન્ટ સાથે સનરાઇઝર્સના 15 પોઈન્ટ થઈ ગયા અને તે પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૈદરાબાદ પ્લેઓફમાં
સનરાઇઝર્સ હૈદરાબાદે અત્યાર સુધી કુલ 13 મેચ રમી છે, જેમાં સાત જીત સાથે તેના કુલ 15 પોઈન્ટ થઈ ગયા છે. પેટ કમિન્સની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ બાદ પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની છે. આ મેચ રદ્દ થવાની સાથે દિલ્હી કેપિટલ્સની સફર સમાપ્ત થઈ ગઈ છે. 


આ પણ વાંચોઃ 'ધોની આગામી બે વર્ષ સુધી...', CSK કોચે આપ્યું મહત્વપૂર્ણ નિવેદન, ફેન્સ થઈ જશે ખુશ


ગુજરાતની સતત બીજી મેચ વરસાદને કારણે રદ્દ
સોમવારે અમદાવાદમાં વરસાદને કારણે ગુજરાત ટાઈટન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ રદ્દ થઈ ગઈ હતી. હવે હૈદરાબાદમાં પણ ગુજરાત ટાઈટન્સની મેચ રદ્દ થઈ છે. ગુજરાત પહેલા જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું હતું. ગુજરાત ટાઈટન્સે આઈપીએલ 2024માં 14 મેચમાંથી માત્ર 5 મેચ જીતી છે. જ્યારે 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો અને બે મેચ વરસાદને કારણે રદ્દ થઈ છે. ગુજરાતના કુલ 12 પોઈન્ટ છે. 


દિલ્હી કેપિટલ્સની સફર પણ સમાપ્ત
આજે હૈદરાબાદમાં વરસાદને કારણે એસઆરએચ અને ટાઈટન્સની મેચ રદ્દ થવાની સાથે દિલ્હી કેપિટલ્સના અભિયાનનો અંત આવી ગયો છે. દિલ્હીએ 14 માંથી 7 મેચમાં જીત મેળવી અને સાતમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે પ્લેઓફની છેલ્લી ટીમનો નિર્ણય આરસીબી અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાનારી મેચથી થશે. આ મેચ બંને ટીમે જીતવી જરૂરી છે. આરસીબીએ પ્લેઓફમાં પહોંચવા માટે ચેન્નઈને (18 રન અથવા તો 11 બોલ બાકી રાખતા) હરાવવું પડશે. જો આ મેચ પણ વરસાદને કારણે રદ્દ થાય તો ચેન્નઈ પ્લેઓફમાં પહોંચી જશે.