SRH vs RR: રોમાંચક મેચમાં સનરાઇઝર્સે કર્યો કમાલ, રાજસ્થાન રોયલ્સને 1 રને હરાવ્યું
IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદે અંતિમ બે ઓવરમાં કમાલની બોલિંગ કરી રાજસ્થાન રોયલ્સને 1 રને પરાજય આપ્યો છે. હૈદરાબાદની આ સીઝનમાં છઠ્ઠી જીત છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે.
હૈદરાબાદઃ ભુવનેશ્વર કુમારે અંતિમ બોલ પર રોવમેન પોલેલને LBW આઉટ કરી રોમાંચક મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 1 રને જીત અપાવી છે. આ જીત સાથે હૈદરાબાદે ટોપ-4માં પણ વાપસી કરી લીધી છે. છેલ્લી ઓવરમાં જીત માટે રાજસ્થાન રોયલ્સને 13 રનની જરૂર હતી અને છેલ્લા બોલે બે રનની જરૂર હતી. પરંતુ ભુવીએ વિકેટ ઝડપી હૈદરાબાદને જીત અપાવી હતી. ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 201 રન બનાવ્યા હતા. જ્યારે રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 7 વિકેટે 200 રન બનાવી શકી હતી.
પ્રથમ ઓવરમાં ભુવીને મળી બે સફળતા
બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સને પ્રથમ ઓવરમાં બે ઝટકા લાગ્યા હતા. જોસ બટલર શૂન્ય રન બનાવી સ્લિપમાં કેચઆઉટ થયો હતો. ત્યારબાદ ભુવનેશ્વર કુમારે સંજૂ સેમસનને પણ શૂન્ય રને બોલ્ડ થયો હતો. ભુવનેશ્વરે પ્રથમ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી.
રિયાન પરાગ અને યશસ્વી જયસ્વાલની કમાલની બેટિંગ
રાજસ્થાન રોયલ્સે 1 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગે ત્રીજી વિકેટ માટે 133 રનની ભાગીદારી કરી હતી. યશસ્વીએ 40 બોલમાં 7 ચોગ્ગા અને બે સિક્સ સાથે 67 રન ફટકાર્યા હતા. જ્યારે રિયાન પરાગે 49 બોલમાં 8 ચોગ્ગા અને 4 સિક્સ સાથે 77 રન બનાવ્યા હતા.
શિમરોન હેટમાયર 13 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે રોવમેન પોવેલ 15 બોલમાં 3 ફોર અને એક સિક્સ સાથે 27 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે 41 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. ટી નટરાજન અને પેટ કમિન્સે બે-બે વિકેટ લીધી હતી.
હૈદરાબાદની પ્રથમ બેટિંગ
સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. અભિષેક શર્મા માત્ર 10 બોલમાં 12 રન બનાવી આવેશ ખાનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ અનમોલપ્રીત સિંહ 5 રન બનાવી સંદીપ શર્માની ઓવરમાં આઉટ થયો હતો. પાવરપ્લેમાં હૈદરાબાદે 2 વિકેટે 37 રન બનાવ્યા હતા.
ટ્રેવિસ હેડ અને નીતીશ રેડ્ડીએ સંભાળી ઈનિંગ
એક સમયે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ મુશ્કેલીમાં હતી. ત્યાંથી નીતીશ રેડ્ડી અને ટ્રેવિસ રેડ્ડીએ ઈનિંગ સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 96 રનની ભાગીદારી કરતા હૈદરાબાદનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. ટ્રેવિસ હેડ 44 બોલમાં 6 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 58 રન બનાવી આઉટ થયો હતો.
યુવા બેટર નીતીશ રેડ્ડી છવાયો
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી યુવા બેટર નીતીશ રેડ્ડીએ આઈપીએલ સીઝનની બીજી અડધી સદી ફટકારી હતી. નીતીશ રેડ્ડીએ મુશ્કેલ સમયમાં કમાલની બેટિંગ કરી હતી. રેડ્ડીએ આર અશ્વિન અને યુઝી ચહલ સામે છગ્ગાની રમઝટ બોલાવી હતી. રેડ્ડીએ 42 બોલમાં 8 સિક્સ અને 3 ચોગ્ગા સાથે અણનમ 76 રન બનાવ્યા હતા.
અંતિમ ઓવરોમાં હેનરિક ક્લાસેને પણ કમાલની બેટિંગ કરી હતી. ક્લાસેન અને રેડ્ડીની ભાગીદારીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદ 200 રન બનાવવામાં સફળ રહ્યું હતું. ક્લાસેન 19 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે 42 રન બનાવી અણનમ રહ્યો હતો. રાજસ્થાન તરફથી આવેશ ખાને બે તથા સંદીપ શર્માએ એક વિકેટ લીધી હતી.