SRH vs RR: સતત પાંચ હાર બાદ હૈદરાબાદને મળી જીત, રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું
સનરાઇઝર્સને આખરે આઈપીએલ-2021માં જીત મળી છે. રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે પરાજય આપી હૈદરાબાદે સીઝનની બીજી જીત મળી છે.
દુબઈઃ આખરે સતત પાંચ હાર બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે જીતનો સ્વાદ ચાખ્યો છે. આઈપીએલની 40મી મેચમાં હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે પરાજય આપી તેની બાજી પણ બગાડી દીધી છે. આઈપીએલની આ સીઝનમાં હૈદરાબાદને માત્ર બીજી જીત મળી છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટે 164 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદે 18.3 ઓવરમાં 167 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.
જેસન રોયની શાનદાર અડધી સદી
સનરાઇઝર્સ તરફથી આજે પર્દાપણ કરનાર જેસન રોય હૈદરાબાદ માટે લક્કી સાબિત થયો છે. જેસન રોયે રિદ્ધિમાન સાહા સાથે પ્રથમ વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી હતી. સાહા 18 રન બનાવી આઉટ થયો હતો. હૈદરાબાદે પાવરપ્લેમાં 1 વિકેટે 63 રન બનાવ્યા હતા. જેસન રોય ટીમનો સ્કોર 114 હતો ત્યારે 42 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 60 રન બનાવી આઉટ થયો હતો.
કેપ્ટન કેન વિલિયમસને 41 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ 51 રન બનાવ્યા હતા. અભિષેક શર્મા 16 બોલમાં 21 રન બનાવી અણનમ રહ્યો હતો. રાજસ્થાન તરફથી મુસ્તફિઝુર, સાકરિયા અને લોમરોરને એક-એક વિકેટ મળી હતી.
રાજસ્થાનની ખરાબ શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સને બીજી ઓવરમાં ઝટકો લાગ્યો હતો. ભુવનેશ્વર કુમારે વિસ્ફોટક બેટ્સમેન ઇવિન લુઇસ (6)ને કેચઆઉટ કરાવી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. રાજસ્થાને 11 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. ટીમે પાવરપ્લેમાં 1 વિકેટે 49 રન બનાવ્યા હતા.
સંજૂ સેમસનની આક્રમક અડધી સદી
પ્રથમ વિકેટ બાદ યશસ્વી જાયસવાલ અને સંજૂ સેમસને ઈનિંગ સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 56 રન જોડ્યા હતા. યશસ્વી 23 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 36 રન બનાવી સંદીપ શર્માનો શિકાર બન્યો હતો. સંજૂ સેમનસે શાનદાર બેટિંગ કરતા ટીમનો સ્કોર 160ને પાર પહોંચાડ્યો હતો. સંજૂ સેમસન 57 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 82 રન બનાવી આઉટ થયો હતો.
લિયામ લિવિંગસ્ટોન માત્ર 4 રન બનાવી રાશિદ ખાનનો શિકાર બન્યો હતો. મહીપાલ લોમરોર 29 રન બનાવી અણનમ રહ્યો હતો. રિયાન પરાગ શૂન્ય રન બનાવી સિદ્ધાર્થ કૌલની ઓવરમાં આઉટ થયો હતો. રાજસ્થાન તરફથી સિદ્ધાર્થ કૌલે બે વિકેટ ઝડપી હતી. આ સિવાય સંદીપ શર્મા, ભુવનેશ્વર અને રાશિદને એક-એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube