નવી દિલ્હીઃ શ્રીલંકાની ટીમે ફાસ્ટ બોલર લસિથ મલિંગાની આગેવાનીમાં મંગળવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝની બીજી મેચ રમી હતી. પાલ્લેકલમાં રમાયેલી આ મેચમાં શ્રીલંકન ટીમનો 4 વિકેટે પરાજય થયો હતો. આ રીતે ત્રણ મેચોની સિરીઝ 2-0થી શ્રીલંકાએ ગુમાવી દીધી હતી. આ સાથે શ્રીલંકાની ટીમના નામે એક મોટો શરમજનક વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાય ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, શ્રીલંકાની ટીમ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેચ હારનારી ટીમ બની ગઈ છે. શ્રીલંકા પહેલા આ શરમજનક રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશની ટીમના નામે હતો. આ ટીમોએ 57-57 ટી20 મેચ હારી છે, જ્યારે શ્રીલંકાની ટીમ 58 મેચ હારી ચુકી છે. શ્રીલંકાએ ક્રિકેટના આ ફોર્મેટમાં કુલ 116 મેચ રમી છે, જેમાંથી ટીમે 55 મેચમાં જીત હાસિલ કરી છે. બે મેચનું પરિણામ આવ્યું નથી. 


ચોંકવનારી વાત છે કે શ્રીલંકાની ટીમે વર્ષ 2019મા એકપણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી નથી. શ્રીલંકાની ટીમે આ વર્ષે અત્યાર સુધી 6 મેચ રમી છે, જેમાં તેણે પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ટાઈ રહી હતી, તેમાં પણ શ્રીલંકન ટીમે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ તમામ મેચોમાં લસિથ મલિંગા ટીમનો કેપ્ટન રહ્યો છે. 

IPL 2020: અશ્વિનને રિલીઝ કરશે કિંગ્સ ઇલેવન પંજાબ, દિલ્હી કેપિટલ્સ સાથે જોડાશે


શુક્રવાર 6 સપ્ટેમ્બરે શ્રીલંકાની ટીમ પોતાની વર્ષની સાતમી મેચ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમશે. ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વ કપ પહેલા આ શ્રીલંકન ટીમ માટે મોટો ઝટકો છે. ટીમે વિશ્વકપને ધ્યાનમાં રાખીને પોતાના પ્રદર્શનમાં સતત સુધાર કરવો પડશે.