Arjuna Ranatunga: રણતુંગાના નિવેદન બદલ શ્રીલંકાની સરકારે BCCI સચિવ જય શાહની માફી માંગી, જાણો શું છે મામલો
શ્રીલંકાની સરકારે પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા દ્વારા કરાયેલી હસ્યાસ્પદ ટિપ્પણી પર એશિયન ક્રિકેટ પરિષદ (ACC) ના અધ્યક્ષ તથા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ના સચિવ જય શાહની ઔપચારિક રીતે માફી માંગી છે.
શ્રીલંકાની સરકારે પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા દ્વારા કરાયેલી હસ્યાસ્પદ ટિપ્પણી પર એશિયન ક્રિકેટ પરિષદ (ACC) ના અધ્યક્ષ તથા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ના સચિવ જય શાહની ઔપચારિક રીતે માફી માંગી છે. નોંધનીય છે કે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગાએ એક અજીબોગરીબ નિવેદન આપતા શ્રીલંકાના પતન માટે જય શાહને જવાબદાર ઠેરવ્યા હતા.
શું કહ્યું હતું રણતુંગાએ?
શ્રીલંકાની ટીમના પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગાએ કહ્યું હતું કે, શ્રીલંકા ક્રિકેટ (એસએલસી)ના અધિકારીઓ અને જય શાહ વચ્ચે સંબંધોના કારણે એસએલસીને નુકસાન થઈ રહ્યું છે. બીસીસીઆઈ એ વિચારે છે કે એસએલસીને કચડી શકીએ છીએ અને નિયંત્રિત કરી શકીએ છીએ. જય શાહ શ્રીલંકા ક્રિકેટ ચલાવી રહ્યા છે. જય શાહના દબાણના કારણે એસએલસી બરબાદ થઈ રહી છે. ભારતનો એક માણસ શ્રીલંકન ક્રિકેટને બરબાદ કરી રહ્યો છે. તેઓ ફક્ત તેમના પિતાના કારણે શક્તિશાળી છે, જે ભારતના ગૃહમંત્રી છે.
શ્રીલંકન સરકારે ખેદ વ્યક્ત કર્યું
શુક્રવારે સંસદીય સત્ર દરમિયાન શ્રીલંકા સરકારના બે મંત્રીઓ હરિન ફર્નાન્ડો અને કંચના વિજેસેકેરાએ રણતુંગાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યું. તેમણે સ્પષ્ટ કર્યું કે જવાબદારી બહારની સંસ્થાઓની જગ્યાએ શ્રીલંકાના પ્રશાસકોની છે. મંત્રી વિજેસેકેરાએ કહ્યું કે એક સરકાર તરીકે અમે એશિયન ક્રિકેટ પરિષદના પ્રમુખ જય શાહ પ્રત્યે અમારો ખેદ વ્યક્ત કરીએ છીએ. અમે અમારી સંસ્થાઓની કમીઓ માટે એશિયન ક્રિકેટ પરિષદ પ્રમુખ કે અન્ય દેશો પર આંગળી ચીંધી શકીએ નહીં, આ એક ખોટી ધારણા છે.
આ વાત અંગે ચેતવ્યા
આ બધા વચ્ચે પર્યટન મંત્રી હરિન ફર્નાન્ડોએ કહ્યું કે રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ આઈસીસી દ્વારા શ્રીલંકા ક્રિકેટ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહ સાથે વાત કરી છે. મંત્રી હરિન ફર્નાન્ડોએ ચેતવતા કહ્યું કે આઈસીસી પ્રતિબંધ દેશ માટે પ્રતિકૂળ પરિણામ હોઈ શકે છે. ખાસ કરીને આગામી વર્ષે જાન્યુઆરીમાં થનારી અંડર-19 ક્રિકેટ વિશ્વ કપ પર તેની અસર પડશે. તેમણે કહ્યું કે જો આઈસીસીનો પ્રતિબંધ નહીં હટે તો કોઈ પણ ટુર્નામેન્ટ માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે નહીં. શ્રીલંકાને ક્રિકેટ ટુર્નામેન્ટથી એક પણ પૈસો મળશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube