ODI World Cup 2023: શ્રીલંકાએ ઝિમ્બાબ્વેને હરાવી વર્લ્ડ કપમાં બનાવી જગ્યા, હવે એક સ્થાન માટે ત્રણ ટીમ રેસમાં
શ્રીલંકાએ ભારતમાં રમાનાર વિશ્વકપ માટે પોતાની ટિકિટ મેળવી લીધી છે. ઝિમ્બાબ્વેને હરાવવાની સાથે શ્રીલંકાને વિશ્વકપ 2023ની ટિકિટ મળી ગઈ છે. હવે એક સ્થાન માટે ત્રણ ટીમો વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.
બુલાવાયોઃ શ્રીલંકાએ ભારતમાં રમાનાર વનડે વિશ્વકપ માટે પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. શ્રીલંકાએ વિશ્વકપ ક્વોલિફાયરના એક મુકાબલામાં ઝિમ્બાબ્વેને હરાવી આ સિદ્ધિ મેળવી છે. બુલાવાયોમાં રમાયેલા મુકાબલામાં શ્રીલંકાને જીત માટે 166 રનનો ટાર્ગેટ મળ્યો હતો, તેણે 1 વિકેટ ગુમાવી 33.1 ઓવરમાં હાસિલ કરી લીધો હતો.
શ્રીલંકાની જીતમાં ઓપનર પથુમ નિશંકાએ મહત્વની ભૂમિકા ભજવતા અણનમ સદી ફટકારી હતી. પથુમે 102 બોલનો સામનો કરતા અણનમ 101 રન બનાવ્યા હતા. અનુભવી બેટર દિમુથ કરૂણારત્નેએ 30 અને કુસલ મેન્ડિસે 25* રન ફટકાર્યા હતા. તો મેચમાં ચાર વિકેટ ઝડપનાર સ્પિનર મહીષ તીક્ષ્ણા પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.
World Cup 2023: વર્લ્ડ કપ વેન્યૂ અંગે BCCI નો મોટો નિર્ણય, જાણો શું થયો ફેરફાર
આ ત્રણ ટીમમાં હજુ રેસમાં
ભારતમાં આ વર્ષે યોજાનાર વિશ્વકપમાં કુલ 10 ટીમ ભાગ લઈ રહી છે. આઠ ટીમોએ ટૂર્નામેન્ટમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. તો બે અન્ય ટીમો ક્વોલિફાયર દ્વારા મુખ્ય રાઉન્ડમાં પહોંચશે, જે અત્યારે ઝિમ્બાબ્વેમાં રમાઈ રહ્યો છે. તેમાંથી શ્રીલંકન ટીમે તો પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. હવે એક સ્થાન માટે ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ અને સ્કોટલેન્ડ રેસમાં છે. જો ઝિમ્બાબ્વે પોતાની અંતિમ મેચમાં સ્કોટલેન્ડને હરાવી દેશે તો તે વિશ્વકપ માટે ક્વોલિફાઈ કરી લેશે, જો ઝિમ્બાબ્વે હારશે તો નેટ રનરેટના આધારે એક ટીમનો નિર્ણય થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube