SAvsSL: શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતનારી પ્રથમ એશિયન ટીમ બની
બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકાએ સાઉથ આફ્રિકાને બીજી ટેસ્ટ મેચમાં 8 વિકેટે હરાવીને બે મેચોની ટેસ્ટ સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે.
પોર્ટ એલિઝાબેથઃ પોર્ટ એલિઝાબેથમાં રમાયેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે યજમાન શ્રીલંકાએ ઈતિહાસ રચતા સાઉથ આફ્રિકાને 8 વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે શ્રીલંકાએ બે ટેસ્ટ મેચોની સિરીઝ 2-0થી પોતાને નામે કરી લીધી છે. શ્રીલંકાની ટીમ સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતનારી પ્રથમ એશિયાની ટીમ બની ગઈ છે. સાઉથ આફ્રિકાએ આપેલા 197 રનનો લક્ષ્ય શ્રીલંકાએ બે વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો. કુલસ મેન્ડિસે 84 જ્યારે ઓશાદા ફર્નાન્ડોએ 75 રન બનાવ્યા હતા. કુસલ મેન્ડિસને મેન ઓફ ધ મેચ અને કુસલ પરેરાને મેન ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યા હતા.
બીજા દિવસના સ્કોર 60/2થી શ્રીલંકાએ ત્રીજા દિવસે ઈનિંગનો પ્રારંભ કર્યો હતો. પોતાની બીજી ટેસ્ટ મેચ રમી રહેલા ઓશાદા ફર્નાન્ડોએ પોતાની બેટિંગથી ખુબ પ્રભાવિત કર્યા અને કુસલ મેન્ડિસ સાથે મળીને ટીમને વિજય અપાવ્યો હતો. પ્રથમ એક કલાકમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 73 રન જોડીને બંન્ને બેટ્સમેનોએ જીત પાક્કી કરી લીધી હતી. બંન્ને બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. ત્રીજી વિકેટ માટે અણનમ 163 રનની ભાગીદારી કરીને ટીમને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો.
આ પહેલા બીજા દિવસે શ્રીલંકાની પ્રથમ ઈનિંગ 154 રન પર સમેટાઇ ગઈ હતી. પ્રથમ ઈનિંગને આધારે આફ્રિકાને 68 રનની લીડ મળી પરંતુ યજમાન ટીમ તેનો ફાયદો ઉઠાવવામાં અસફળ રહી હતી. ફાસ્ટ બોલર સુરંગા લકમલની ઘાતક બોલિંગની સામે આફ્રિકન ટીમ 128 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. લકમલે બીજી ઈનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી.
મહત્વનું છે કે, શ્રીલંકાની સાઉથ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ સિરીઝ જીત છે. વર્ષ 2015-16 બાદ સાઉથ આફ્રિકાએ પોતાના ઘરમાં ટેસ્ટ સિરીઝ હારી છે. છેલ્લે તેને ઈંગ્લેન્ડે ઘરમાં પરાજય આપ્યો હતો.