શ્રીલંકાના સ્ટાર ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ટી20 ક્રિકેટને કહ્યુ અલવિદા, સોશિયલ મીડિયા પર આપી જાણકારી
શ્રીલંકા અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે ધૂમ મચાવી ચુકેલા ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ તમામ પ્રકારના ટી20 ક્રિકેટને અલવિદા કહી દીધુ છે.
નવી દિલ્હીઃ શ્રીલંકાના મહાન ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ટી20 ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી છે. મલિંગાએ આ પહેલા ટેસ્ટ અને વનડે ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું. મલિંગા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચુક્યો છે અને આ લીગનો સૌથી સફળ બોલર છે. તેના નામે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાયેલો છે. યોર્કર અને સ્લો બોલ ફેંકવામાં માહિર મલિંગા ક્યારેક પોતાની બેટિંગથી પણ વિરોધી ટીમને ચોંકાવી દેતો હતો.
આઈપીએલમાં 122 મેચ રમી ચુકેલા મલિંગાએ 170 વિકેટ ઝડપી છે. આઈપીએલમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 13 રન આપીને પાંચ વિકેટ છે. પાછલા વર્ષે તેણે શ્રીલંકા માટે ટી20 વિશ્વકપ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ કોરોનાને કારણે આ ટૂર્નામેન્ટ ટાળી દેવામાં આવી હતી.
આ પણ વાંચો- T20 World Cup માં આ 4 ટીમ પહોંચશે સેમિફાઇનલમાં, પૂર્વ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી
શ્રીલંકાએ આ વર્ષે યૂએઈ અને ઓમાનમાં રમાનાર ટી20 વિશ્વકપ માટે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી, જેમાં મલિંગાને સ્થાન આપવામાં આવ્યું નથી. શ્રીલંકાના પસંદગીકારોએ આ વખતે દસુન શનાકાને ટીમની કમાન સોંપી છે. મહત્વનું છે કે મહિલાએ પોતાની બોલિંગ અને આગેવાનીમાં શ્રીલંકાને 2014માં ટી20 વિશ્વકપનું ટાઇટલ અપાવ્યું હતું.
શ્રીલંકાના સ્ટાર બોલરના કરિયર પર નજર કરીએ તો મલિંગાએ 30 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેના નામે 101 વિકેટ છે. મલિંગાએ 226 વનડે મેચમાં 338 વિકેટ ઝડપી છે. તેનું બેસ્ટ પ્રદર્શન 38 રન આપી 6 વિકેટ છે. તો મલિંગાએ 83 ટી20 મેચમાં 107 વિકેટ પોતાના નામે કરી છે. મલિંગાએ ચાર બોલમાં ચાર વિકેટ ઝડપવાની સિદ્ધિ પોતાના કરિયરમાં બે વખત મેળવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube