સ્ટાર એમ્બાપ્પેના 4 ગોલની મદદથી PSGએ 82 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
પીએસજીએ સિઝનના શરૂઆતના નવ મેચ જીતીને ઓલંપિક લિલ્લોઇસના 1936ના સતત 8 મેચમાં વિજયના રેકોર્ડને તોડી નાખ્યો છે.
પેરિસઃ કિલિયન એમ્બાપ્પેના ચાર ગોલની મદદથી પેરિસ સેટ જર્મન (પીએસજી)ની ટીમ લીગ વન (ફ્રાન્સની મુખ્ય સ્થાનિક ફુટબોલ લીગ)ના મેચમાં લિયોનને 5-0થી હરાવીને સતત નવમો વિજય નોંધાવીને નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ટીમે સિઝનની શરૂઆતની નવ મેચ જીતીને ઓલંપિક લિલ્લોઇસના 1936માં સતત આઠ મેચ જીતવાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ પહેલા 29 સપ્ટેમ્બરે પીએસજીએ નીસને 3-0થી હરાવીને આ રેકોર્ડની બરોબરી કરી હતી.
બ્રાઝીલના સ્ટાર ખેલાડી નેમારે નવમી મિનિટમાં ગોલ કરીને ટીમનું ખાતુ ખોલ્યું હતું. ત્યારબાદ એમ્બાપ્પેએ 14 મિનિટની અંદર ધનાધન ચાર ગોલ (61મી, 66મી, 69મી અને 74મી મિનિટમાં) કરીને ટીમની લીડ 5-0 કરી દીધી હતી. જે રમત પૂર્ણ થયા સુધી બની રહી હતી.
આ જીતની સાથે ટીમના નવ મેચોમાં 27 પોઈન્ટ થઈ ગયા છે, જે બીજા સ્થાને રહેલી એલઓએસસી (લિલી ઓલંપિક સ્પોર્ટિંગ ક્લબ)થી આઠ પોઈન્ટ વધુ છે.