રાજસ્થાનના ખરાબ પ્રદર્શન બાદ ફ્રેન્ચાઇઝીએ બદલ્યો કેપ્ટન, રહાણેની જગ્યાએ સ્મિથ સંભાળશે કમાન
હાલની સિઝનમાં રાજસ્થાન અત્યાર સુધી 8માંથી માત્ર 2 મેચ જીતી શક્યું છે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનની ટીમ 4 પોઈન્ટ સાથે સાતમાં સ્થાને છે.
નવી દિલ્હીઃ આઈપીએલની હાલની સિઝનમાં રાજસ્થાન રોયલ્સે ખરાબ પ્રદર્શન બાદ અંજ્કિય રહાણેની જગ્યાએ સ્ટીવ સ્મિથને બાકીના મેચો માટે કેપ્ટન બનાવ્યો છે. રાજસ્થાન રોયલ્સની ટીમે શનિવારે એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી હતી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથ આ પહેલા પુણે સુપરજાયન્ટ્સનો પણ કેપ્ટન રહી ચુક્યો છે.
ટીમે નિવેદનમાં કહ્યું, અંજ્યિક રહાણેએ ગત વર્ષે પ્લેઓફ સુધી ટીમની સફરમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. પરંતુ ફ્રેન્ચાઇઝીને લાગે છે કે ટીમે 2019ની સિઝનમાં અભિયાનને ટ્રેક પર લાગવાની દિશામાં કંઇક નવું કરવું જરૂરી છે. સ્ટીવ હંમેશા રાજસ્થાનના ટીમ નેતૃત્વનો ભાગ રહ્યો છે અને રહાણે તેની સાથે મહત્વની ભૂમિકા નિભાવશે.
હાલની સિઝનમાં રાજસ્થાન અત્યાર સુધી 8માંથી માત્ર 2 મેચ જીતી શક્યું છે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનની ટીમ 4 પોઈન્ટ સાથે સાતમાં સ્થાને છે.
રાજસ્થાન રોયલ્સના હેડ ઓફ ક્રિકેટ જુબિન ભરૂચાએ કહ્યું કે, રહાણેએ 2018માં ટીમનું નેતૃત્વ કર્યું અને તે આગળ પણ ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવશે.