Ashes 2023: ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં ઝડપી 600મી વિકેટ
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે ટેસ્ટ ક્રિકેટમાં કમાલ કરી દીધો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની વિકેટનો આંકડો 600 પર પહોંચાડી દીધો છે. તે ટેસ્ટમાં 600 વિકેટ લેવાની સિદ્ધિ મેળવનાર બીજો ફાસ્ટ બોલર છે.
Ashes 2023: ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. બ્રોડે એશિઝની ચોથી ટેસ્ટ દરમિયાન ટ્રેવિસ હેડની વિકેટ લેવાની સાથે ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ પૂરી કરી લીધી છે. બ્રોડ આ સિદ્ધિ હાસિલ કરનાર ઈંગ્લેન્ડનો બીજો બોલર છે. આ પહેલા ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને આ ઉપલબ્ધિ હાસિલ કરી હતી.
બ્રોડે કર્યો કમાલ
સ્ટુઅર્ટ બ્રોડ પહેલા જેમ્સ એન્ડરસન આ રેકોર્ડ પોતાના નામે કરી ચુક્યો છે અને તેના નામે ટેસ્ટ ક્રિકેટમાં 688 વિકેટ છે. આ સિવાય બ્રોડ આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પાંચમો બોલર બની ગયો છે. આ સાથે બ્રોડ એવી ક્લબમાં સામેલ થઈ ગયો છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં 600 કે તેથી વધુ વિકેટ ઝડપી છે.
ખ્વાજાની વિકેટ લઈ કરી શરૂઆત
બ્રોડે ચોથી એશિઝ ટેસ્ટના પ્રથમ દિવસે 3 રન પર ઉસ્માન ખ્વાજાની વિકેટ લઈને પોતાનું ખાતું ખોલ્યું હતું. આ દિગ્ગજ ફાસ્ટ બોલરે દિવસની રમતની શરૂઆતમાં ફોર્મમાં ચાલી રહેલા ખ્વાજાને એલબી આઉટ કર્યો હતો. ત્યારબાદ ટ્રેવિસ હેડને આઉટ કરી બ્રોડે 600 વિકેટ પૂરી કરવાની સિદ્ધિ મેળવી હતી.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube