સ્ટૂઅર્ટ બ્રોડ 432 વિકેટ સાથે રિચર્ડ હેડલીનો રેકોર્ડ તોડી આગળ નિકળ્યો, કપિલના રેકોર્ડથી વધુ દૂર નથી
બ્રોડની 432 વિકેટ થઈ, જ્યારે કપિલના નામે 434 વિકેટ નોંધાયેલી છે, અત્યારે ક્રિકેટ રમતા બોલરોમાં ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે અને યાદીમાં તે 5મા નંબરે છે
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના સ્ટૂઅર્ટ બ્રોડે હવે ટેસ્ટ ક્રિકેટના મહાન બોલરોની શ્રેણીમાં સ્થાન હાંસલ કરી લીધું છે. ઈંગ્લેન્ડ-ભારત વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડના જે પેસરની સૌથી વધુ ચર્ચા છે તે બ્રોડ નહીં પરંતુ જેમ્સ એન્ડરસન છે. જેમ્સ એન્ડરસન અત્યારે ક્રિકેટ રમતા બોલરોમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે અને સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં તે 5મા નંબરે છે. જોકે, તેની થોડી પાછળ રહેલો બ્રોડ પણ ધીમે-ધીમે આગળ વધી રહ્યો છે.
32 વર્ષનો બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં સર રિચર્ડ હેડલીના રેકોર્ડની બરાબરી કર્યા બાદ હવે તેનાથી પણ આગળ નિકળી ચૂક્યો છે. તે હવે કપિલ દેવના રેકોર્ડની એકદમ નજીક પહોંચી ગયો છે. ઓવલ ટેસ્ટમાં તે કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખે તો નવાઈ નહીં.
ઓવલમાં હેડલીનો રેકોર્ડ તોડ્યો
બ્રોડે ભારત સામેની પાંચમી ટેસ્ટમાં જ્યારે પ્રથમ બોલે જ શિખર ધવનને એલબી આઉટ કર્યો ત્યારે તેના નામે 432 વિકેટ થઈ ગઈ હતી. આ સાથે જ તે ન્યૂઝિલેન્ડના રિચર્ડ હેડલીથી આગળ નિકળી ગયો છે. આ અગાઉ, રવિવારે ભારતની બીજી ઈનિંગ્સમાં બ્રોડે જ્યારે કે.એલ. રાહુલને આઉટ કર્યો હતો ત્યારે ટેસ્ટ ક્રિકેટમાં બ્રોડની 431 વિકેટ થઈ હતી.
ન્યૂઝિલેન્ડના મહાન ઓલરાઉ્ડર હેડલીએ 86 ટેસ્ટમાં 431 વિકેટ લીધી છે. કપિલ દેવના નામે 131 ટેસ્ટમાં 434 વિકેટ નોંધાયેલી છે. એટલે કે, હવે કપિલનો રેકોર્ડ તોડવા માટે સ્ટૂઅર્ટ બ્રોડને 3 વિકેટની જરૂર છે. બ્રોડની અત્યારે 123મી ટેસ્ટ છે.
દુનિયામાં માત્ર બે ખેલાડી જ બ્રોડથી આગળ
બ્રોડે 123 ટેસ્ટમાં 432 વિકેટ લીધી છે અને 3,025 રન બનાવ્યા છે. ટેસ્ટ ઈતિહાસમાં માત્ર બે ખેલાડી એવા થયા છે, જેણે બ્રોડ કરતાં વધુ વિકેટ પણ લીધી છે અને વધુ રન પણ બનાવ્યા છે. આ ખેલાડી છે કપિલ દેવ અને શેન વોર્ન. કપિલના નામે 434 વિકેટ અને 5,248 રન નોંધાયેલા છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના શેન વોર્ને 708 વિકેટ લેવાની સાથે 3,154 રન બનાવ્યા છે.
બ્રોડના પિતા પણ ટેસ્ટ ક્રિકેટર હતા
સ્ટુઅર્ટ બ્રોડના પિતા ક્રિસ બોર્ડ પણ 1980ના દાયકામાં આંતરરાષ્ટ્રિય ક્રિકેટર રહ્યા છે. તેમણે 25 ટેસ્ટ અને 34 વન ડે રમી છે. 60 વર્ષના ક્રિસ બ્રોડ આઈસીસીના મેચ રેફરી પણ રહી ચૂક્યા છે.
400+ વિકેટ અને 3000+ રનની ક્લબમાં 5 ક્રિકેટર
દુનિયામાં માત્ર 5 ખેલાડી એવા છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં 400થી વધુ વિકેટ લીધી છે અને 3000થી વધુ રન બનાવ્યા છે. વિકેટની બાબતે શેન વોર્ન ટોપ પર છે અને રનની દૃષ્ટિએ જોઈએ તો કપિલ દેવ ઉપર આવી જાય છે.
430 કે તેથી વધુ વિકેટ લેનારા 10 બોલર
દુનિયામાં માત્ર 10 ખેલાડી એવા છે, જેમણે 430 કે તેનાથી વધારે ટેસ્ટ વિકેટ લીધી છે. જેમાં ચાર દેશના 2-2 ખેલાડી છે. આ ખેલાડી છે, શ્રીલંકાનો મુરલીધરન, રંગના હેરાથ, ઓસ્ટ્રેલિયાનો શેન વોર્ન, ગ્લેન મેકગ્રા, ભારતનો અનિલ કુંબલે, કપિલ દેવ અને ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન, સ્ટૂઅર્ટ બ્રોડ. આ ઉપરાંત વિન્ડિઝનો કર્ટની વોલ્શ અને ન્યૂઝિલેન્ડનો રિચર્ડ હેડલી પણ આ યાદીમાં છે.