જોહોર કપઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારત સેમિફાઇનલમાં
ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ચારેય મેચ જીતીને અજેય છે. તે પોતાની પાંચમી મેચ 12 ઓક્ટોબરે બ્રિટન વિરુદ્ધ રમશે.
જોહોર બારૂ (મલેશિયા): ભારતીય જૂનિયર પુરૂષ હોકી ટીમે બુધવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5-4થી હરાવીને સતત ચોથી જીતની સાથે સુલ્તાન જોહોર કપના સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ જીતની સાથે ભારત પોતાના ગ્રુપમાં પણ ટોપ પર છે.
ભારતે રમતમાં દબદબાભેર પ્રદર્શન કર્યું હતું. ભારત શરૂઆતી મિનિટમાં પેનલ્ટી કોર્નરનો ફાયદો મેળવવામાં નિષ્ફળ રહ્યું પરંતુ પાંચમી મિનિટે ગુરસાબિબજીત સિંહે ગોલ કરીને ભારતને 1-0ની લીડ અપાવી હતી.
ટીમે સારી શરૂઆતનો ફાયદો ઉઠાવ્યો અને 11મી, 14મી અને 15મી મિનિટે ગોલ કરીને 4-0ની લીડ મેળવી લીધી હતી. આ ગોલ ક્રમશઃ હસપ્રીત સિંહ, મનદીપ મોર અને વિષ્ણુકાંત સિંહે કર્યા હતા. પ્રથમ ક્વાર્ટરમાં ચાર ગોલ ગુમાવવા ડિફેન્ડિંગ ચેમ્પિયન માટે એક ઝટકો હતો.
ભારતીય ડિફેન્સે ખરાબ પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 18મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કર્યો. તેના તરફથી પ્રથમ ગોલ કરનાર ડૈમન સ્ટીફંસે 35મી મિનિટે પેનલ્ટી કોર્નર પર બીજો ગોલ પણ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ જલ્દી ત્રીજો ગોલ કરીને લીડ ઓછી કરી હતી.
શૈલેન્દ્ર લાકડાએ 43મી મિનિટે ગોલ કરીને ભારતની લીડ 5-3 કરી દીધી હતી. ભારતીય ટીમ પર અંતિમ ક્ષણોમાં ગોલ બચાવવાનો દબાવ હતો અને તેવામાં 59મી મિનિટમાં તેણે પેનલ્ટી સ્ટ્રોક ગુમાવી દીધો હતો. સ્ટીફંસે આ વખતે પણ ગોલ કરવામાં કોઈ ભૂલ ન કરી,
ભારતે અંતિમ ક્ષણોમાં શાનદાર બચાવ કર્યો અને ઓસ્ટ્રેલિયાને બરાબરી કરતા રોક્યું હતું.