નવી દિલ્હી: બર્મિંઘમમા બેહાલ જોવા મળેલા ભારતીય બેટ્સમેનોની તસવીર લોર્ડ્સમાં વધારે ખરાબ જોવા મળી. જ્યાં 90થી પણ ઓછી  ઓવરોમાં બેવાર પેવેલિયન ભેગા થઈ ગયાં. ટીમ ઈન્ડિયાની બેટિંગની આ દુર્દશાથી પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કર ખુબ નારાજ છે. તેમની નારાજગી કેટલી બધી હશે તે તેમના આ નિવેદનથી જાણી શકાય છે. ભારતીય બેટિંગની ઘોર નિષ્ફળતા પર સુનિલ ગાવસ્કરે કહ્યું કે 'વિરાટ સંપૂર્ણ રીતે ફીટ નથી. પરંતુ નોર્ટિંઘમમાં તેઓ અડધા પણ ફીટ જોવા મળશે તો બાકીના ભારતીય બેટ્સમેનોની સરખામણીમાં સારું રમશે.' નિવેદનથી એકદમ સ્પષ્ટ છે કે ગાવસ્કરના ગુસ્સાની ધાર પર કોહલીને છોડીને બધા ભારતીય બેટ્સમેનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાવસ્કરનો ભરોસો કેમ તૂટ્યો?
ગાવસ્કરના ગુસ્સાનું કારણ શું છે તે હવે આ આંકડા દ્વારા સમજીએ. ટેસ્ટ સિરીઝની પહેલી 2 મેચોની 4 ઈનિંગમાં વિરાટ કોહલીએ 240 રન કર્યા છે અને તેઓ ભારતના જ નહીં પરંતુ સિરીઝના પણ ટોપ સ્કોરર છે. વિરાટ બાદ 4 ઈનિંગમાં 90 રન સાથે પંડ્યા ભારતનો બીજો ટોપ સ્કોરર છે. જ્યારે આટલી જ ઈનિંગમાં 85 રન કરીને અશ્વિન ત્રીજા નંબરે છે. ચોંકાવનારી વાત એ છે કે ટોપ 3 સ્કોરરોમાં વિરાટને બાદ કરતા ટોપ ઓર્ડરનો કોઈ બેટ્સમેન નથી. એટલે કે ધવન, વિજય, પૂજારા, રાહુલ કે રહાણે કોઈ જ નહીં. આ તો એવું થયું ઊંચી દુકાન અને ફીકા પકવાન. 


દિનેશ કાર્તિકની જગ્યાએ પંતને તક!
ભારતીય બેટ્સમેનો પર ગરજનારા ગાવસ્કરે નોર્ટિંઘમમાં ટીમમાં ફેરફાર કરવાની પણ માગણી કરી. તેમણે આગામી ટેસ્ટમાં પંત અને નાયરને રમાડવાની વાત કરી છે. ટીમમાં પંતની જગ્યા એટલે દિનેશ કાર્તિકની બાદબાકી. નોર્ટિંઘમમાં તેઓ કેમ આમ ઈચ્છે છે તો આપણે આંકડા સમજીએ. 2 ટેસ્ટમાં કાર્તિકે 4 ઈનિંગમાં ફક્ત 21 રન કર્યા છે. તેનાથી ઓછા રન ટીમમાં ફક્ત શમી, કુલદીપ અને ઉમેશે જ કર્યા છે. જ્યારે પંતે ઈંગ્લેન્ડમાં રમાયેલી છેલ્લી 9 ઈનિંગમાં 5 અર્ધસદી મારી છે. સ્પષ્ટ છે કે જ્યારે અનુભવ કઈ કામ નથી આવી રહ્યો તો યુવા જોશને જ કામે લગાડવો પડશે અને નોર્ટિંઘમ ટેસ્ટમાં આ જોવા મળી શકે છે.