SRH vs CSK: અભિષેક શર્મા અને માર્કરમની શાનદાર બેટિંગ, હૈદરાબાદનો છ વિકેટે શાનદાર વિજય
IPL 2024: ચેન્નઈ સુપર કિંગ્સે શરૂઆતી બે મેચમાં જીત મેળવ્યા બાદ સતત બે મેચમાં હારનો સામનો કર્યો છે. આજે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં સનરાઇઝર્સ સામે ચેન્નઈએ 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે.
હૈદરાબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કરતા ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટે પરાજય આપ્યો છે. હૈદરાબાદે ટોસ જીતીને ચેન્નઈને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટે 165 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈએ 18.1 ઓવરમાં 166 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ટૂર્નામેન્ટમાં આ હૈદરાબાદની બીજી જીત તો ચેન્નઈની સતત બીજી હાર છે. બંને ટીમના ચાર-ચાર પોઈન્ટ છે.
હૈદરાબાદે કરી આક્રમક શરૂઆત
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સે આક્રમક શરૂઆત કરી હતી. અભિષેક શર્માએ શરૂઆતથી જ બાઉન્ડ્રીમાં ડીલ કરી હતી. અભિષેક શર્માએ 12 બોલમાં 3 ચોગ્ગા અને 4 સિક્સ સાથે 37 રન ફટકારી દીધા હતા. હૈદરાબાદે પાવરપ્લેમાં 78 રન ફટકારી દીધા હતા. ટ્રેવિસ હેડે 24 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું હતું.
એડન માર્કરમની અડધી સદી
એડન માર્કરમે પણ આઈપીએલ-2024માં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. માર્કરમ 36 બોલમાં 4 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 50 રન બનાવી આઉટ થયો હતો. શાહબાઝ અહમદે 18 રનનું યોગદાન આપ્યું હતું. હેનરિક ક્લાસેન 10 અને નિશિત રેડ્ડી 14 રન બનાવી અણનમ રહ્યાં હતા.
આ પણ વાંચોઃ તો આવી ગયો રોહિત-હાર્દિકના વિવાદનો અંત? હવે મુંબઈ ઈન્ડિયન્સ IPLમાં કરશે ધમાલ!
ચેન્નઈ તરફથી શિવમ દુબેએ ફટકાર્યા સૌથી વધુ રન
ચેન્નઈ સુપર કિંગ્સની વાત કરવામાં આવે તો રચિન રવીન્દ્ર માત્ર 12 રન બનાવી આઉટ થયો હતો. આ વિકેટ ભુવનેશ્વર કુમારને મળી હતી. રુતુરાજ ગાયકવાડ 26 રન બનાવી આઉટ થયો હતો. અજિંક્ય રહાણેએ 30 બોલમાં 35 રન બનાવ્યા હતા. રહાણેએ બે ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. શિવમ દુબેએ શાનદાર બેટિંગ કરતા માત્ર 24 બોલમાં 2 ફોર અને ચાર સિક્સ સાથે 45 રન બનાવ્યા હતા.
રવિન્દ્ર જાડેજા 23 બોલમાં 4 ચોગ્ગા સાથે 31 રન બનાવી અણનમ રહ્યો હતો. ડેરલ મિચેલે 13 રન બનાવ્યા હતા. એમએસ ધોની 1 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, પેટ કમિન્સ, શાહબાઝ અહદમ અને જયદેવ ઉનડકટે એક-એક વિકેટ લીધી હતી.