IPL 2019: ડેવિડ વોર્નરને જીત સાથે વિદાય આપવા ઈચ્છશે હૈદરાબાદ
વોર્નર આઈપીએલ-12માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પોતાના આ ઇન ફોર્મ ઓપનરને જીતની સાથે વિદાય આપવા ઈચ્છે છે અને તેનો મુકાબલો કિંગ્સ ઈલેવન પંજાબ સામે થવાનો છે.
હૈદરાબાદઃ હાલની આઈપીએલ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ડેવિડ વોર્નર આજે આ લીગમાં પોતાનો અંતિમ મેચ રમશે. કારણ છે તેણે વિશ્વકપની તૈયારી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે જોડાવાનું છે. તે આઈપીએલ-12માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ પોતાના આ ઇન ફોર્મ ઓપનરને જીતની સાથે વિદાઈ આપવા ઈચ્છે છે અને તેનો મુકાબલો કિંગ્સ ઈલેવન પંજાબ સામે છે. બંન્ને ટીમોના 11-11 મેચોમાં 10-10 પોઈન્ટ્સ છે અને બંન્ને ટીમોએ છેલ્લા બે મેચ ગુમાવ્યા છે. સતત ત્રીજી હાર આ બેમાંથી એક ટીમને પ્લેઓફની રેસમાંથી બહાર કરી શકે છે.
તૂટી ઓપનિંગ જોડીઃ વોર્નર આ આઈપીએલમાં 600 કે વધુ રન બનાવનાર એકમાત્ર ખેલાડી છે. આ સતત ત્રીજી આઈપીએલ સિઝન (2016,2017 અને 2019) છે જેમાં આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ 600થી તેનાથી વધુ રન બનાવ્યા છે. ગત સિઝનમાં તે પ્રતિબંધને કારણે બહાર હતો. હાલની સિઝનમાં હૈદરાબાદની ટીમે પાંચ મેચોમાં જીત મેળવી છે અને લગભગ દરેક મેચમાં વોર્નર-બેયરસ્ટોની જોડીએ શાનદાર ભૂમિકા નિભાવી છે. બેયરસ્ટો પણ વિશ્વકપની તૈયારી માટે ઈંગ્લેન્ડ પરત ફરી ચુક્યો છે.
પંજાબ ગેલ અને રાહુલ પર નિર્ભરઃ સનરાઇઝર્સ હૈદરાબાદની જેમ કિંગ્સ ઈલેવન પંજાબ પણ ઓપનરો પર વધુ નિર્ભર છે. ક્રિસ ગેલ (444 રન) અને લોકેશ રાહુલ (441) સારી લયમાં છે તો મયંક અગ્રવાલ (262)એ કેટલિક સારી ઈનિંગ રમી છે.