જયપુરઃ મહિલા ટી20 ચેલેન્જની રોમાંચક ફાઇનલમાં હરમનપ્રીત કૌરની સુપરનોવાએ મિતાલી રાજની વેલોસિટીને 4 વિકેટથી પરાજય આપીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. વેલોસિટીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટની મદદથી 121 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સુપરનોવાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 125 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. હરમનપ્રીત કૌરે કેપ્ટનશિપ ઈનિંગ રમતા 51 રન ફટકાર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

122 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સુપરનોવાએ 9 રનના સ્કોર પર ચમારી અટ્ટાપટ્ટુ (2)ની વિકેટ ગુમાવી દીધી હતી. તે રનઆઉટ થઈ હતી. ત્યારબાદ પ્રિયા પૂનિયા (29) અને જેમિમાહ રોડ્રિગ્સ (22)એ બીજી વિકેટ માટે 44 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 50ને પાર પહોંચ્યો ત્યારે બંન્ને ખેલાડી પેવેલિયન પરત ફરી હતી. પ્રિયા પૂનિયાને દેવિકા વૈદ્યએ સ્ટમ્પ આઉટ કરાવી હતી. જ્યારે જેમિમા કેરનો શિકાર બની હતી.


ત્યારબાદ નતાલી સ્કાઇવર (2) અને સોફી ડિવાઇન (3) બંન્ને આઉટ થતાં સુપરનોવાએ 64 રનમાં પાચં વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત કૌર (51) રન ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. તેણે 37 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તે ઈનિંગની 20મી ઓવરમાં આઉટ થઈ હતી. અંતિમ ઓવરમાં સુપરનોવાને જીતવા માટે 7 રનની જરૂર હતી. ત્યારે રાધા યાદવે 4 બોલમાં એક ચોગ્ગા સાથે 10 રન બનાવી પોતાની ટીમને વિજય અપાવ્યો હતો.  


વેલોસિટીની ઈનિંગનો રોમાંચ
સુષમા વર્મા (અણનમ 40) અને એમિલા કેર (36)ની સંઘર્ષપૂર્ણ ઈનિંગની મદદથી વેલોસિટીએ ટી20 ચેલેન્જની ફાઇનલમાં 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 121 રન બનાવ્યા હતા. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા વેલોસિટીએ 37 રનમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. 


વિકેટ પડવાની શરૂઆત હેલે મૈથ્યૂસની સાથે થઈ જે ઈનિંગના બીજા બોલ પર ખાતું ખોલાવ્યા વિના તાહુહુનો શિકાર બની હતી. ત્યારબાડ ડેનિયલ વ્યાટ (0), શેફાલી વર્મા (11), વેદા કૃષ્ણામૂર્તિ (8) અને મિતાલી રાજ (12) પેવેલિયન પરત ફરી ગઈ હતી. 


ટીમને 100 પાર જવાની આશા પણ લાગી રહી નહતી, પરંતુ સુષમા, એમિલાએ ટીમને સંભાળી અને ન માત્ર ટીમનો સ્કોર 100ને પાર કરાવ્યો પરંતુ લડવા લાયક સ્કોર બનાવ્યો હતો. 


આ ભાગીદારીને 108ના કુલ સ્કોર પર પૂનમ યાદવે કેરને આઉટ કરીને તોડી હતી. કેરે 38 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરમાં સુષમા અને શિખા પાંડેએ મળીને 13 રન જોડ્યા હતા. 


સુષમાએ પોતાની અણનમ ઈનિંગમાં 32 બોલનો સામનો કર્યો અને ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 


સુપરનોવા માટે લિયાએ બે, અનુજા પાટિલ, રાધા યાદવ, સોફી ડિવાઇન, નતાલી સ્કાઇવર અને પૂનમ યાદવે એક એક વિકેટ ઝડપી હતી.