નવી દિલ્હીઃ અનુભવી સુરેશ રૈનાએ શનિવારે લગભગ અઢી વર્ષથી પણ વધુ સમય બાદ ભારતીય વનડે ટીમમાં વાપસી કરી છે. તેને યો-યો ટેસ્ટમાં ફેલ થનારા અંબાતી રાયડૂની જગ્યાએ ઈંગ્લેન્ડના પ્રવાસે જનારી ભારતીય વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રાયડૂ ફિટનેસના નવા માપદંડમાં પર્યાપ્ત અંક હાસિલ કરવામાં નિષ્ફળ રહ્યો આ કારણે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય પસંદગીકારોએ તેની જગ્યાએ રૈનાને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું, અખિલ ભારતીય પસંદગી સમિતિએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ શ્રેણી માટે ભારતીય વનડે ટીમમાં અંબાતી રાયડૂના સ્થાને રૈનાને સામેલ કર્યો છે. રાયડૂ 15 જૂને એનસીએ બેંગલુરૂમાં ફિટનેસ પરિક્ષણમાં અસફળ રહ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. 


રૈનાએ પોતાની અંતિમ વનડે મેચ 25 ઓક્ટોબર 2015માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મુંબઈમાં રમી હતી. તે હાલમાં સારા ફોર્મમાં છે જેમાં તેને આઈપીએલ પહેલા શ્રીલંકામાં રમાયેલી ટી-20 ટ્રાઇ શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યા હતા. રૈનાએ અત્યાર સુધી 223 વનડે મેચમાં 5568 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 36 અર્ધસદી સામેલ છે. 


રાયડૂ યો-યો ટેસ્ટમાં નિષ્ફળ થવું આશ્ચર્યજનક છે કારણ કે તેણે આઈપીએલની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ માટે 602 રન બનાવ્યા હતા. તે આ ટેસ્ટમાં 14 અંક મેળવી શક્યો જ્યારે ક્વોલિફાઇ કરવા માટે 16.1 અંક જોઈએ. ઈંગ્લેન્ડના પ્રવાસે ભારતીય ટીમ ત્રણ વનડે મેચ રમશે. પ્રથમ મેચ 12 જુલાઈએ નોટિઘમમાં રમાશે. 


ઈંગ્લેન્ડના પ્રવાસે જનારી ભારતીય ટીમ આ પ્રકાર છેઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, સુરેશ રૈના, એમએસ ધોની, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગટન સુંદર, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ.