IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો, સૂર્યકુમાર યાદવ ઈજાને કારણે થયો બહાર
પાંચ વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સીઝન ખરાબ રહી છે. હવે ઈજાને કારણે સૂર્યકુમાર યાદવ બાકી મેચો રમી શકશે નહીં.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2022માં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચુકેલી મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈનો સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવ ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ગુજરાત ટાઈટન્સ સામેના મુકાબલામાં સૂર્યકુમારને ઈજા થઈ હતી. મહત્વનું છે કે સૂર્યકુમાર યાદવ ઈજાને કારણે આઈપીએલની શરૂઆતી મેચોમાં પણ બહાર રહ્યો હતો.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું કે, ભારતીય બેટર સૂર્યકુમાર યાદવ હાથની માંસપેશિઓની ઈજાને કારણે આઈપીએલ-2022ની બાકી મેચોમાં રમી શકશે નહીં.
આ પણ વાંચોઃ ટી20 ક્રિકેટમાં ધોનીની 'બેવડી સદી', માહીએ પોતાના નામે કર્યો નવો રેકોર્ડ
બોર્ડના નિવેદન પ્રમાણે- મુંબઈ ઈન્ડિયન્સનો બેટર સૂર્યકુમાર યાદવ જમણા હાથની માંસપેશિઓમાં ઈજાને કારણે આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. યાદવ 6 મેએ ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ મુકાબલા દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.
સૂર્યકુમાર યાદવે આ સીઝનમાં મુંબઈ માટે 8 મેચ રમી છે. જેમાં 43.39ની એવરેજથી 303 રન બનાવ્યા છે. સૂર્યકુમારે ત્રણ અડધી સદી પણ ફટકારી હતી. મહત્વનું છે કે મુંબઈ ઈન્ડિયન્સનું આ સીઝનમાં પ્રદર્શન ખરાબ રહ્યું છે. તે પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની છે. મુંબઈએ અત્યાર સુધી માત્ર બે જીત મેળવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube