સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રોજ કોઈને કોઈ બેટર ધમાલ મચાવે છે. ક્યારેક હાર્દિક પંડ્યા પોતાની બેટિંગથી કમાલ કરે છે તો ક્યારેક અજિંક્ય રહાણે. વિજય શંકર જેવા ખેલાડીએ પણ વિસ્ફોટક ઈનિંગ રમી છે. આ યાદીમાં સૌરાષ્ટ્રના બેટર હાર્વિક દેસાઈનું નામ પણ જોડાઈ ગયું છે. હાર્વિકે મંગળવારે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં તમિલનાડુ વિરુદ્ધ તોફાની ઈનિંગ રમી. તેણે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી નાખ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ઓવરમાં 24 રન
હાર્વિકે તમિલનાડુના સ્પીનર સાઈ કિશોરની એક ઓવરમાં પાંચ બોલમાં 24 રન કર્યા. સાઈ કિશોરને આ વખતે આઈપીએલ મેગા ઓક્શનમાં ગુજરાત ટાઈટન્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેના બોલ પર  હાર્વિકે જબરદસ્ત પ્રહાર  કર્યા. પહેલા બેટિંગ કરતા સૌરાષ્ટ્રએ બીજી ઓવરમાં ઓપનર તરંગ ગોહિલની વિકેટ ગુમાવી જેને ગુરજનપ્રીત સિંહે શૂન્ય પર આઉટ કર્યો. પરંતુ દેસાઈ અને પ્રેરક માંકડે જવાબી હુમલો કર્યો અને આગામી 51 બોલમાં 99 રન જોડ્યા. 


હાર્વિક અને પ્રેરકે તબાહી મચાવી
પ્રેરક માંકડને શાહરૂખ ખાને 26 બોલમાં 43 રન પર આઉટ કર્યો. આ તબાહીમાં ડાબોડી બોલર સાઈ કિશોર દ્વારા દેસાઈને ફેંકાયેલી ચોથી ઓવરના પાંચ બોલ સામેલ હતા. હાર્વિકે પહેલા બોલ પર  છગ્ગો માર્યો, બીજા બોલ પર ચોગ્ગો, ત્યારબાદ ત્રીજા બોલ પર છગ્ગો અને પછીના બે બોલ પર તેણે બે ચોગ્ગા વધુ  ફટકાર્યા. હાર્વિકે 161.76ની સ્ટ્રાઈક રેટથી રન કર્યા. ચોંકાવનારી વાત એ છે કે આ વખતે આઈપીએલના મેગા ઓક્શનમાં આ વિસ્ફોટક ખેલાડીને કોઈએ ખરીદ્યો નહીં. 



સૌરાષ્ટ્રના 235 રન
સાઈ કિશોરે ઈનિંગની 11મી ઓવરમાં બદલો લીધો. તેણે હાર્વિક દેસાઈનો કેચ પોતાની જ ઓવરમાં પકડી લીધો. હાર્વિકે 34 બોલમાં 55 રન ઠોક્યા. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. તમિલનાડુ વિરુદ્ધ સૌરાષ્ટ્રએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 235 રનનો વિશાળ સ્કોર કર્યો. હાર્વિકઅને પ્રેરકની તોફાની બેટિંગ બાદ રૂચિત આહીર અને સમર ગજ્જરે પણ અડધી સદી  ફટકારી. રૂચિતે 30 બોલમાં 56 રન અને સમરે 27 બોલમાં 55 રન રન કર્યા. રૂચિતે 3 ચોગ્ગા અને 4 છગ્ગા લગાવ્યા. જ્યારે સમરે 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા.