કેપટાઉનઃ  આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ 2023 (T20 Women World Cup 2023) ના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ યજમાન દક્ષિણ આફ્રિકાને 19 રને પરાજય આપી રેકોર્ડ છઠ્ઠીવાર વિશ્વકપની ટ્રોફી કબજે કરી છે. ઓસ્ટ્રેલિયાએ આ સાથે ટી20 વિશ્વકપમાં ટ્રોફીની હેટ્રિક પણ પૂરી કરી છે. ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2018 અને 2020માં પણ ટી20 વિશ્વકપ જીત્યો હતો. તો પ્રથમવાર કોઈ આઈસીસી ઈવેન્ટની ફાઇનલમાં પહોંચેલી દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમનું ચેમ્પિયન બનવાનું સપનું રોળાઈ ગયું છે. ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 156 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 137 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાએ આ ટૂર્નામેન્ટમાં એકપણ મેચ ગુમાવી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેન મૂનીએ ફટકારી અડધી સદી
મહિલા ટી20 વિશ્વકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા તરફથી બેથ મૂનીએ સૌથી વધુ 74 રન ફટકાર્યા હતા મૂનીએ 53 બોલનો સામનો કરતા 9 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. અન્ય ઓપનર એલિસા હીલી 18 રન બનાવી આઉટ થઈ હતી. આ સિવાય એશ્લે ગાર્ડનરે 21 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સ સાથે 29 રન બનાવ્યા હતા. ગ્રેસ હેરિસ 10 રન બનાવી આઉટ થઈ હતી. કેપ્ટન મેગ લેનિંગે 10 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય એલિસ પેરી માત્ર 9 રન બનાવી આઉટ થઈ હતી. 


ઓસ્ટ્રેલિયાએ આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આફ્રિકાએ 17 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. તાઝ્મિન બ્રિટ્સ 10 રન બનાવી ડાર્સી બ્રાઉનનો શિકાર બની હતી. મારિઝાને કપ 11 રન બનાવી આઉટ થઈ હતી. કેપ્ટન સુને લુસ માત્ર 2 રન બનાવી શકી હતી. ચોલે ટ્રાયોને 23 બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સ સાથે 25 રન બનાવ્યા હતા. આફ્રિકા તરફથી ઓપનર લૌરા વૂલવાર્ટે 48 બોલમાં ત્રણ સિક્સ અને પાંચ ચોગ્ગા સાથે સૌથી વધુ 61 રન ફટકાર્યા હતા. 


ઓસ્ટ્રેલિયાએ બીજીવાર ટ્રોફીની હેટ્રિક પૂરી કરી
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમનો હંમેશા દબદબો રહ્યો છે. તેને પરાજય આપવો દરેક ટીમ માટે મુશ્કેલ છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે રેકોર્ડ છઠ્ઠીવાર ટી20 વિશ્વકપની ટ્રોફી જીતી છે. આ સાથે બીજીવાર ટી20 વિશ્વકપમાં ટ્રોફીની હેટ્રિક પૂરી કરી છે. ઓસ્ટ્રેલિયાએ 2018, 2020માં પણ વિશ્વકપ જીત્યો હતો. હવે આજે ટ્રોફી જીતીને વિશ્વકપ ટ્રોફીની હેટ્રિક પૂરી કરી છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયાએ 2010, 2012 અને 2014માં ટી20 વિશ્વકપ જીતીને હેટ્રિક પૂરી કરી હતી. 


મેગ લેનિંગનો કેપ્ટન તરીકે ચોથો વિશ્વકપ
મેગ લેનિંગની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયા ચોથીવાર મહિલા ટી20 વિશ્વકપમાં ચેમ્પિયન બન્યું છે. મેગ લેનિંગની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2014, 2018, 2020 અને હવે 2023માં ટ્રોફી જીતી છે. ફાઇનલમાં શાનદાર 74 રન બનાવનાર બેથ મૂની મેન ઓફ ધ મેચ રહી હતી. તો ઓલરાઉન્ડર એશ ગાર્ડનર મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube