T20 World Cup 2021: ભારતની Playing 11 માં આ ખેલાડીઓની જગ્યા પાક્કી, બીજી પ્રેક્ટિસ મેચથી થયું સ્પષ્ટ
T20 World Cup ની બીજી પ્રેક્ટિસ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે પરાજય આપ્યો. આ સાથે ભારતની અંતિમ-11 પણ પાક્કી થી ગઈ છે.
નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપ 2021ના બીજા પ્રેક્ટિસ મુકાબલામાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. આ મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારતે આ મેચ આસાનીથી 9 વિકેટે જીતી લીધી. આ મેચ પૂરી થયા બાદ અનેક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે પાકિસ્તાન વિરુદ્ધ મહા-મુકાબલામાં ક્યા 11 ખેલાડીઓને તક મળવાની છે.
રોહિત-રાહુલ કરશે ઓપનિંગ
ટી20 વિશ્વકપમાં ઓપનિંગ માટે રોહિત શર્માનું સ્થાન પાક્કુ છે. જ્યારે વિરાટ કોહલીએ સ્પષ્ટ કરી દીધુ છે કે વિશ્વકપમાં રોહિતની સાથે કેએલ રાહુલ ઓપન કરશે. રોહિત અને રાહુલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર ભાગીદારી કરી પોતાના ફોર્મની ઝલક દેખાડી દીધી છે. જ્યાં રોહિતે અડધી સદી ફટકારી, તો રાહુલે ફરી આક્રમક શરૂઆત અપાવી હતી.
મિડલ ઓર્ડરમાં ફેરફાર નક્કી
તો ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડરમાં હવે મોટો ફેરફાર જોવા મળી શકે છે. ત્રણ નંબર પર ખુદ કેપ્ટન કોહલી આવશે. તો ચોથા નંબર પર સૂર્યકુમાર યાદવનું સ્થાન નક્કી છે. ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામે 38 રન બનાવી પોતાનું સ્થાન નક્કી કરી લીધુ છે. જ્યારે 5માં નંબર પર વિકેટકીપર બેટર રિષભ પંતનું સ્થાન પાક્કુ છે.
આ પણ વાંચોઃ BCCI ના અધિકારીએ કરી દીધુ કન્ફર્મ, આ ખેલાડીને મળશે ટી20 ટીમની કમાન
હાર્દિક-જાડેજા બે ઓલરાઉન્ડર
નંબર 6 પર હાર્દિક પંડ્યા એક ફિનિશરની ભૂમિકામાં જોવા મળશે. તો 7માં ક્રમે રવિન્દ્ર જાડેજા હશે. તો રોહિત શર્માએ સ્પષ્ટ કરી દીધુ છે કે હાર્દિક પાકિસ્તાન સામેની મેચમાં બોલિંગ કરશે. તેવામાં ટીમ ઈન્ડિયાને મદદ મળી શકે છે. હાર્દિક પોતાની બેટિંગ માટે તો જાણીતો છે.
ભુવનેશ્વરે પણ મેળવી લય
ફાસ્ટ બોલિંગ યુનિટમાં ભુવનેશ્વરની જગ્યા નક્કી છે. પહેલા તે વાત પર સવાલ ઉઠી રહ્યાં હતા, પરંતુ ભુવીએ ઓસ્ટ્રેલિયા સામે સારી બોલિંગ કરી છે. બીજીતરફ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી પણ અંતિમ ઇલેવનમાં હશે. બે સ્પિનરોમાં વરૂણ ચક્રવર્તી અને આર અશ્વિન વચ્ચે ટક્કર જોવા મળશે.
વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઇંગ 11:
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, આર અશ્વિન, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube