T20 World Cup 2022 SL vs NAM: ક્રિકેટના મહાકુંભ ગણાતા વર્લ્ડકપની શરૂઆત થઈ ચૂકી છે. ક્રિકેટ ચાહકોમાં પણ આ વર્લ્ડકપને લઈ ભારે ઉત્સાહ છે. એમાંય ટીમ ઈન્ડિયાના સમર્થકોનો ઉત્સાહ તો સાતમા આસમાને છે. કારણકે, ટીમ ઈન્ડિયાને સમર્થકોને આશા છેકે, આ વર્લ્ડ કપ ચોક્કસ ભારતીય ટીમ જ જીતશે. કારણકે, 15 વર્ષ પહેલાં 2007માં જ્યારે ટી20 વર્લ્ડ કપની પહેલી સિઝન રમાઈ હતી ત્યારે ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ જીત્યો હતો. આ વખતે રોહિત શર્મા પાસે પણ ચાહકો એવી જ આશા રાખી રહ્યાં છે. એવામાં ટી20ની પહેલી જ મેચમાં મોટો ધડાકો થયો છે. નામિબિયાએ T20 વર્લ્ડ કપ 2022ની પહેલી જ મેચમાં શ્રીલંકાને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. શ્રીલંકાની ટીમ હાલમાં જ એશિયા કપ 2022નો ખિતાબ જીતીને અહીં પહોંચી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચની શરૂઆતમાં શ્રીલંકાની ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી હતી, પરંતુ નામિબિયાએ અદભૂત પ્રદર્શન કર્યું અને એશિયન ચેમ્પિયનને હરાવીને મોટો અપસેટ સર્જ્યો. ક્રિકેટ પંડિતોની નજરમાં શ્રીલંકાની ટીમ જીતની સૌથી મોટી દાવેદાર હતી, પરંતુ નામિબિયાએ બધાને ખોટા સાબિત કરી દીધા. આ મેચમાં શ્રીલંકાને 55 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.


આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા નામિબિયાએ ટોસ હારીને 163 રન બનાવ્યા હતા. નામિબિયાએ 15 ઓવર પછી 6 વિકેટ ગુમાવીને માત્ર 95 રન બનાવ્યા હતા, પરંતુ છેલ્લી 5 ઓવરમાં 68 રન બનાવીને આખી મેચને ફેરવી નાખી હતી. આ સાથે જ નામિબિયા એસોસિયેટ ટીમ તરીકે શ્રીલંકા સામે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનારી ટીમ બની ગઈ છે. આ પહેલા કોઈ સહયોગી ટીમ શ્રીલંકા સામે 160 રનનો આંકડો પાર કરી શકી ન હતી. 164 રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકાની ટીમ 108 રન જ બનાવી શકી હતી. શ્રીલંકાના ઓપનર પથુમ નિશંકાએ 9 રને અને કુસલ મેન્ડિસ 6 રન પર પોતાની વિકેટ ગુમાવી હતી. શ્રીલંકાના કોઈપણ બેટ્સમેન 30 રન સુધી પહોંચી શક્યા ન હતા, જ્યારે નામિબિયા માટે જોન ફ્રીલિંકે 28 બોલમાં 44 રન અને જેજે સ્મિતે અણનમ 31 રન બનાવ્યા હતા.