એડિલેડઃ  જોસ બટલર (અણનમ 80) અને એલેક્સ હેલ્સ (અણનમ 86) ની આક્રમક બેટિંગે રોહિત શર્માની ટીમનું ટી20 વિશ્વકપ જીતવાનું સપનું રોળી દીધું છે. એડિલેડમાં આઈસીસી ટી20 વિશ્વકપ 2022ની સેમીફાઇનલ મેચમાં ભારતને 10 વિકેટે પરાજય આપી દબદબાભેર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડે માત્ર 16 ઓવરમાં વિના વિકેટે 170 રન બનાવી ભારતને મોટી હાર આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોસ બટલર અને એલેક્સ સામે હારી ગયું ભારત
ઈંગ્લેન્ડે પ્રથમ ઓવરથી આક્રમક વલણ અપનાવ્યું હતું. પાવરપ્લેમાં બંને ઓપનરોએ વિના વિકેટે 63 રન બનાવી લીધા હતા. જોસ બટલર 49 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 80 રન બનાવી અણનમ રહ્યો હતો. તો એલેક્સ હેલ્સ 47 બોલમાં 7 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 86 રન બનાવી અણનમ રહ્યો હતો. 

ભારતના બંને ઓપનર સસ્તામાં આઉટ
સેમીફાઇનલ જેવી મહત્વની મેચમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. કેએલ રાહુલ બીજી ઓવરમાં માત્ર 5 રન બનાવી ક્રિસ વોક્સનો શિકાર બન્યો હતો. ભારતે પાવરપ્લેમાં 1 વિકેટે માત્ર 38 રન બનાવ્યા હતા. રોહિત શર્માના રૂપમાં ભારતે બીજી વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા 28 બોલમાં ચાર ચોગ્ગા સાથે 27 રન બનાવી ક્રિસ જોર્ડનનો શિકાર બન્યો હતો. 


કોહલીની ચોથી અડધી સદી 
ભારતને સૂર્યકુમાર યાદવના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો.સૂર્યકુમાર 10 બોલમાં 14 રન બનાવી રાશિદનો શિકાર બન્યો હતો. વિરાટ કોહલીએ આ ટૂર્નામેન્ટમાં ચોથી અડધી સદી ફટકારી હતી. કોહલી 40 બોલમાં ચાર ફોર અને 1 સિક્સ સાથે 50 રન બનાવી આઉટ થયો હતો. કોહલીએ પોતાની ઈનિંગ દરમિયાન ટી20 આંતરરાષ્ટ્રીયમાં 4000 રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. 


હાર્દિક પંડ્યાનો વિસ્ફોટક અંદાજ
ભારતની શરૂઆત ધીમી રહી હતી. ટીમે પ્રથમ 10 ઓવરમાં માત્ર 62 રન બનાવ્યા હતા. પરંતુ અંતિમ ઓવરોમાં હાર્દિક પંડ્યાએ આક્રમક બેટિંગ કરીને ભારતનો સ્કોર 165ને પાર પહોંચાડ્યો હતો. હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 5 છગ્ગા અને 4 સિક્સ સાથે 63 રન બનાવ્યા હતા. હાર્દિક ઈનિંગના છેલ્લા બોલ પર આઉટ થયો હતો. રિષભ પંત 6 રન બનાવી આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી જોર્ડને 3 વિકેટ અને રાશિદ તથા વોક્સે એક-એક વિકેટ લીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube