સિડનીઃ T20 World Cup 2022 New Zealand vs Australia: ટી20 વિશ્વકપ 2022ના સુપર-12ના પ્રથમ મુકાબલામાં ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને કારમો પરાજય આપ્યો છે. પાછલા વિશ્વકપના ફાઇનલમાં આ બંને ટીમની ટક્કર થઈ હતી જેમાં ન્યૂઝીલેન્ડે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં 2022 ટી20 વિશ્વકપના પ્રથમ મુકાબલામાં હરાવી કેન વિલિયમસનની ટીમે શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 3 વિકેટે 200 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 111 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડે 89 રને વિજય મેળવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોનવેએ અણનમ 92 રન ફટકાર્યા
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કીવી ટીમે ધમાકેદાર શરૂઆત કરી અને પાવરપ્લેમાં 65 રન બનાવ્યા હતા. આ તેના દ્વારા ટી20 વિશ્વકપની કોઈ મેચમાં પાવરપ્લેમાં બનાવેલા સૌથી વધુ રન છે. ફિન એલને 16 બોલમાં 42 રન ફટકાર્યા હતા. તો બીજા ઓપનિંગ બેટર ડેવોન કોનવેએ 58 બોલમાં અમનમ 92 રન બનાવ્યા હતા. અંતમાં જિમી નીશમે 13 બોલમાં 26 રન ફટકારી ન્યૂઝીલેન્ડનો સ્કોર 200 રન પર પહોંચાડ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે 2 વિકેટ લીધી હતી. 


આ પણ વાંચોઃ IND vs PAK: મેલબોર્નમાં મહામુકાબલો, રવિવારે વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને


ઓસ્ટ્રેલિયાનો ધબડકો
સ્કોરનો પીછો કરવા ઉતરેલી કાંગારૂ ટીમને બીજી ઓવરમાં ડેવિડ વોર્નરના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. વોર્નર માત્ર 5 રન બનાવી સાઉથીની ઓવરમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ કેપ્ટન ફિંચ 13 રન બનાવી સેન્ટનરનો શિકાર બન્યો હતો. મિચેલ માર્શે 12 બોલમાં 16 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલ 20 બોલમાં 28 રન બનાવી આઉટ થયો હતો. તેને ઈશ સોઢીએ બોલ્ડ કર્યો હતો. 


માર્કસ સ્ટોયનિસ પણ 7 રન બનાવી સેન્ટનરની ઓવરમાં આઉટ થયો હતો. ટિમ ડેવિડ 11 રન બનાવી સેન્ટનરની ઓવરમાં નીશમના હાથે કેચઆઉટ થયો હતો. પેટ કમિન્સે 21 રન બનાવ્યા હતા. મેથ્યૂ વેડને 2 રનના સ્કોર પર ફર્ગ્યૂસને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. અંતમાં ટ્રેન્ટ બોલ્ટે સ્ટાર્ક અને ઝમ્પાને બોલ્ડ કર્યાં હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉદી અને સેન્ટનરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. તો બોલ્ટને બે, ફર્ગ્યૂસન અને સોઢીને એક-એક સફળતા મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube