T20 WC 2022: આફ્રિકાને હરાવીને પણ સેમીફાઇનલમાં પાકિસ્તાનનો માર્ગ મુશ્કેલ, સમજો સમીકરણ
T20 WC 2022: આઈસીસી ટી20 વિશ્વકપ 2022માં પાકિસ્તાન ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાને 33 રનથી હરાવી બે મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યા છે. પરંતુ તેમ છતાં તેનું સેમીફાઇનલમાં પહોંચવું મુશ્કેલ લાગી રહ્યું છે. પાકિસ્તાને પોતાની છેલ્લી મેચ બાંગ્લાદેશ સામે રમવાનું છે.
નવી દિલ્હીઃ આઈસીસી ટી20 વિશ્વકપ 2022માં પાકિસ્તાન ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાને હરાવી સુપર-12ના ગ્રુપ-2ની ગરમી વધારી દીધી છે. ટૂર્નામેન્ટમાં દરેક ટીમોએ હવે એક-એક મેચ રમવાની છે, ત્યારબાદ સેમીફાઇનલની ટીમો નક્કી થી જશે. ગ્રુપ-2માં ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ સેમીફાઇનલની રેસમાં સૌથી આગળ છે. પરંતુ પાકિસ્તાની ટીમે પોતાની ચોથી મેચમાં જીત બાદ પોતાની આશાને યથાવત રાખી છે પરંતુ કોઈ મોટા અપસેટ વગર તેની સંભાવના બચતી નથી. તેવામાં આવો જાણીએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચ જીતીને પણ કેમ સેમીફાઇનલમાં નહીં પહોંચી શકે પાકિસ્તાનની ટીમ.
પાકિસ્તાન માટે સેમીફાઇનલનો માર્ગ મુશ્કેલ
આઈસીસી વિશ્વકપ 2022ની જ્યારે શરૂઆત થઈ હતી તો પાકિસ્તાનની પ્રથમ મેચ ભારતની સામે હતી. મેચ ખુબ રોમાંચક રહી પરંતુ પાકિસ્તાનને તેમાં હાર મળી. પ્રથમ મેચમાં મળેલી હાર બાદ પાકિસ્તાનની ટક્કર ઝિમ્બાબ્વે સામે હતી પરંતુ અહીં મોટો અપસેટ સર્જાયો. ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રને હરાવી તેનો મામલો બગાડી દીધો હતો. ગ્રુપ-2ની સૌથી મજબૂત ટીમ હોવા છતાં બે મેચ બાદ તેની પાસે એકપણ પોઈન્ટ નહોતો.
તો બીજી તરફ ભારતીય ટીમે સતત ત્રણ મેચમાં 6 પોઈન્ટ મેળવી સેમીફાઇનલની દાવેદારી મજબૂત બનાવી લીધી છે. ભારતની સાથે સાઉથ આફ્રિકાએ પણ પોતાની દાવેદારી મજબૂત કરી લીધી. પરંતુ તેની એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ છતાં તેના ખાતામાં પાંચ પોઈન્ટ છે. તો પાકિસ્તાનના ખાતામાં ચાર પોઈન્ટ છે.
તો હવે બધી ટીમો ચાર-ચાર મેચ રમી ચુકી છે. ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ પોત-પોતાની મેચ ન હારે તો સેમીફાઇનલમાં કોઈ મોટો અપસેટ જોવા મળશે નહીં. તેવામાં પાકિસ્તાન બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાની અંતિમ મેચ જીતીને પણ સેમીફાઇનલમાં પહોંચી શકશે નહીં.
અંતિમ મેચનું સમીકરણ
નોકટાઉટ પહેલા ગ્રુપ-2માં બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડની ટીમ સેમીફાઇનલની રેસમાં બહાર થઈ ચુકી છે. બાકીની ત્રણ ટીમો ભારત, સાઉથ આફ્રિકા અને પાકિસ્તાનની છે. ભારતના ચાર મેચમાં ત્રણ જીત સાથે છ પોઈન્ટ છે અને તેણે પોતાની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમવાની છે. બંને ટીમ વચ્ચે આ મેચ વરસાદને કારણે રદ્દ થાય તો પણ ભારતને એક પોઈન્ટ મળશે અને તે 7 પોઈન્ટ સાથે સેમીફાઇનલમાં પહોંચી જશે.
તો સાઉથ આફ્રિકાની ટીમની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. તેણે બે મેચમાં જીત મેળવી અને તેના પાંચ પોઈન્ટ છે. આફ્રિકાએ પોતાની છેલ્લી મેચ નેધરલેન્ડ સામે રમવાની છે. સાઉથ આફ્રિકાની ટીમ માટે આ કરો યા મરો મુકાબલો હશે. તેવામાં પાકિસ્તાનથી આગળ રહેવા માટે તેણે ફરજીયાત જીત મેળવવી પડશે. જો વરસાદને કારણે મેચ રદ્દ થાય કે ધોવાઈ તો તેને એક પોઈન્ટ મળશે અને સારી નેટ રનરેટના આધારે તે સેમીફાઇનલમાં જગ્યા બનાવી શકે છે.
આ સિવાય પાકિસ્તાનની છેલ્લી મેચ બાંગ્લાદેશ સામે છે. પાકિસ્તાનની ટીમ પાસે માત્ર ચાર પોઈન્ટ છે અને તે બાંગ્લાદેશને હરાવી દે તો તેના છ પોઈન્ટ થઈ જશે અને મામલો નેટ રનરેટમાં આવશે. તેણે બાંગ્લાદેશને મોટા અંતરથી હરાવવું પડશે અને આશા કરવી પડશે કે ભારત અથવા આફ્રિકા પોતાની છેલ્લી મેચ હારે તો પાકિસ્તાન સેમીમાં પહોંચી શકે છે. આ સમગ્ર અહેવાલનું વિશ્લેષણ કરીએ તો ખ્યાલ આવે છે કે પાકિસ્તાન માટે સેમીફાઇનલનો દરવાજો લગભગ બંધ થઈ ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube