ટી20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટનો રોમાંચ ચરમસીમાએ છે. આજે સુપર 8 સ્ટેજના અંતિમ મુકાબલામાં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ બંને વચ્ચે મેચ કિંગ્સટાઈનના અર્નોસ વેલ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. અફઘાનિસ્તાને બાંગ્લાદેશને જીત માટે 116 રનનો ટાર્ગેટ આપ્યો છે. વરસાદે વિધ્ન નાખતા થોડીવાર માટે મેચ અટકી હતી જો કે હવે બાંગ્લાદેશની ઈનિંગ શરૂ થઈ ગઈ છે. પરંતુ જો મેચ આગળ જતા રદ થાય તો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો મેચ ધોવાઈ જાય તો?
જો અફઘાનિસ્તાન આ મેચ જીતી જાય તો સેમીફાઈનલમાં પહોંચી જશે. બીજી બાજુ બાંગ્લાદેશને સેમી ફાઈનલમાં પહોંચવા માટે આ ટાર્ગેટ 12.1 ઓવરમાં ચેઝ કરવો પડશે. નહીં તો ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં પહોંચી જશે. જો વરસાદના કારણે મેચ ધોવાઈ જાય તો અફઘાનિસ્તાનની સેમીફાઈનલમાં એન્ટ્રી થઈ જશે. ગ્રુપ 1માંથી ભારત સેમીફાઈનલમાં પહોંચી ચૂક્યું છે અને આજે બીજી ટીમ પણ નક્કી થઈ જશે. 


ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને પાંચ વિકેટ પર 115 રનનો સામાન્ય સ્કોર કર્યો. અફઘાનિસ્તાનની શરૂઆત ખુબ જ ધીમી રહી. ઈબ્રાહિમ જાદરાન અને રહમાનુલ્લાહ ગુરબાઝે 10.4 ઓવરમાં 54 રન સુધી સ્કોર પહોંચાડ્યો હતો. ગુરબાઝ અને જાદરાન પાવર પ્લેનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. લેગ સ્પિનર રિશદ હુસૈને જાદરાનને આઉટ કરીને ભાગીદારી અટકાવી હતી. ઓપનિંગ પાર્ટનરશીપ તૂટ્યા બાદ અફઘાનિસ્તાનની વિકેટો સતત પડતી રહી. અઝમતુલ્લાહ ઉમરઝઈ (10), ગુલબદીન નાયબ (4), અને મોહમ્મદ નબી (1) રન જ કરી શક્યા. 


રહમાનુલ્લાહ ગુરબાઝે 55 બોલમાં 43 રન કર્યા. જેમાં 3 ચોગ્ગા સાથે એક સિક્સ સામેલ હતી. જ્યારે જાદરાને 1 ચોગ્ગાની મદદથી 29 બોલમાં 18 રનની ધીમી ઈનિંગ રમી. કેપ્ટન રાશિદ ખાને 3 છગ્ગાની મદદથી 10 બોલમાં 19 રન કર્યા. બાંગ્લાદેશ તરફથી રિશદ હુસૈને સૌથી વધુ 3 વિકેટ લીધી. જ્યારે મુસ્તાફિઝૂર રહેમાન અને તસ્કીન અહેમદને એક એક વિકેટ મળી.