ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઈનલ ગુયાનાના Providence Stadium ખાતે ગુરુવારે રમાઈ જેમાં ટીમ ઈન્ડિયાએ જબરદસ્ત પ્રદર્શન કરતા 68 રનથી મેચ જીતી લીધી અને ફાઈનલમાં જગ્યા બનાવી. ફાઈનલમાં હવે 29 જૂને દક્ષિણ આફ્રીકા સામે ટક્કર થશે. મેચ તો જીતી ગયા પરંતુ એક બાબતે  ચિંતા ઉપજાવી અને તે છે વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શન. જે ટીમ ઈન્ડિયા માટે  ચિંતાનો વિષય બની છે. સેમીફાઈનલમાં વિરાટ કોહલી પાસેથી ખુબ અપેક્ષા હતી પરંતુ એકવાર ફરીથી વિરાટ કોહલીએ બધાને નિરાશ કર્યા. મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ વિરાટ કોહલીના આ ફોર્મ અંગે મોટું નિવેદન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટુર્નામેન્ટમાં ફ્લોપ રહ્યો વિરાટ
ટી20 વર્લ્ડ કપ 2024 ટુર્નામેન્ટમાં આ વખતે વિરાટ  કોહલી સદંતર ફ્લોપ જોવા મળ્યો છે. ટુર્નામેન્ટમાં હજુ સુધી વિરાટે એક અડધી સદી સુદ્ધા નોંધાવી નથી. ફેન્સને કોહલી પાસેથી આ વર્લ્ડ કપમાં ખુબ અપેક્ષા હતી પરંતુ કોહલી આશાઓ પર ખરો ઉતર્યો નથી. સેમીફાઈનલમાં પણ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ફક્ત 9 રન કર્યા. 


શું કહ્યું રોહિતે?
હવે આ મેચ બાદ વિરાટના ફોર્મ વિશે વાતચીત કરતા કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે 'તે ક્વોલિટી ખેલાડી છે, કોઈ પણ ખેલાડી આ દોરમાંથી પસાર થઈ શકે છે. અમને તેનો ક્લાસ ખબર છે અને અમને ખબર છે કે મોટી મેચોમાં તેનું શું મહત્વ છે. તેનું ફોર્મ ક્યારેય મુશ્કેલીવાળી વાત રહી નથી. જ્યારે તમે 15 વર્ષ ક્રિકેટ રમી ચૂક્યા હોવ તો ફોર્મ ક્યારેય મુશ્કેલી હોઈ શકે નહીં. તે સારો જણાય છે, તેનામાં ઈન્ટેન્ટ જોવા મળે છે, બની શકે કે  તે ફાઈનલ માટે બચાવી રાખ્યું હોય'. 



બીજી બાજુ હેડ કોચ રાહુલ દ્રવિડે સ્ટાર સ્પોર્ટ્સ પર સેમીફાઈનલ મેચ બાદ વિરાટ કોહલી વિશે કહ્યું કે વિરાટ કોહલી ટીમ માટે ઉદાહરણ સેટ કરે છે. તે પહેલા જ બોલથી શાનદાર ઈન્ટેન્ટ દેખાડી રહ્યો છે. મને તેનું માઈન્ટસેટ પસંદ છે. હું નજર લગાડવા નથી માંગતો પરંતુ મને લાગે છે કે ફાઈનલમાં તેની મોટી ઈનિંગ જોવા મળી શકે છે. 


અત્રે જણાવવાનું કે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ  કોહલીનું આ ટુર્નામેન્ટમાં ફોર્મ ફેન્સ માટે ચિંતાનું કારણ બનેલું છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ સેમીફાઈનલમાં કોહલી 9 બોલમાં 9 રન કરીને આઉટ થઈ ગયો. વિરાટ કોહલીનો આ ટી20 વર્લ્ડ કપ 2024માં બેસ્ટ સ્કોર 37 રન જ છે. જે બાંગ્લાદેશ વિરુદ્ધ કર્યા હતા. સાત ઈનિંગમાં માત્ર બેવાર બેવડી સંખ્યા પાર કરી હતી. પાંચ વાર સિંગલ ડિજીટ પર આઉટ થયો છે. જેમાંથી બે વાર તો ખાતું પણ ખુલ્યું નથી. જો કે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડને વિરાટ પર પૂરો વિશ્વાસ હોય તેવું લાગે છે અને તેઓને લાગે છે કે વિરાટ ફાઈનલમાં જરૂર કઈક મોટું કરશે. 



29 જૂને ફાઈનલ
અફઘાનિસ્તાનને હરાવીને ફાઈનલમાં પહોંચેલી દક્ષિણ આફ્રીકાની ટીમ હવે ફાઈનલમાં ટીમ ઈન્ડિયા સામે ટકરાશે. ફાઈનલ બાર્બાડોસમાં 29 જૂનના રોજ રમાશે. અત્રે જણાવવાનું કે બંને ટીમો આ ટુર્નામેન્ટમાં હજુ સુધી એક પણ મેચ હારી નથી.