Jasprit Bumrah: આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024 ટુર્નામેન્ટ હાલમાં જ પૂરી થઈ અને ભારતે આ ટુર્નામેન્ટ જીતી લીધી. જેમાં બોલરોનું જબરદસ્ત પરફોર્મન્સ જોવા મળ્યું. જો કે બેટર્સ માટે આ ટુર્નામેન્ટ થોડી પડકારજનક રહી. આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ ટીમ ઈન્ડિયાએ જીત્યો અને જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર થયો. બુમરાહે આ એવોર્ડ જીતતાની સાથે જ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. તેણે કઈક એવું કર્યું કે જે કોઈ કરી શક્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુમરાહે બનાવ્યો રેકોર્ડ
જસપ્રીત બુમરાહે કઈક એવું કરીને દેખાડ્યું છે કે જે મેન્સ કે વીમેન્સ ટી20 વર્લ્ડ કપમાં મળીને પણ કોઈ કરી શક્યું નથી. બુમરાહ ટી20 વર્લ્ડ કપ ઈતિહાસનો પહેલો એવો ખેલાડી બન્યો છે જે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તો બન્યો પરંતુ તેના ખાતામાં એક પણ રન નથી. ટુર્નામેન્ટમાં બુમરાહને ફક્ત એક જ વખત બેટિંગ કરવાની તક મળી અને તેમાં તે ગોલ્ડન ડકનો  ભોગ બન્યો હતો. ટીમ ઈન્ડિયાએ સમગ્ર ટુર્નામેન્ટમાં કુલ 9 મેચ રમી, જેમાંથી બાકીની આઠ મેચોમાં તો બુમરાહને બેટિંગની તક જ નહતી મળી. 


બોલિંગથી પાસું પલટ્યું
બુમરાહે ટી20 વર્લ્ડ કપમાં કુલ 15 વિકેટ લીધી અને ટીમ ઈન્ડિયાના સૌથી મોટા ગેમ ચેન્જર તરીકે ઊભરી આવ્યો. ભારતીય ટીમ જ્યારે જ્યારે હારની કગારે પહોંચી ત્યારે બુમરાહે પોતાની બોલિંગથી મેચનું પાસું પલટી નાખ્યું. ટી20 વર્લ્ડ કપ 2024માં બુમરાહનો ઈકોનોમી રેટ 4.17નો રહ્યો જે કોઈ પણ મેન્સ ટી20 વર્લ્ડ કપમાં 100થી વધુ બોલ ફેંકનારા બોલરોમાં બેસ્ટ ઈકોનોમી રેટ છે. બુમરાહની બોલિંગમાં સમગ્ર ટુર્નામેન્ટમાં કુલ 12 વાર એવું બન્યું કે બોલ બાઉન્ડ્રી પાર ગયો જેમાંથી છગ્ગા તો માત્ર 2 જ હતા. 


બુમરાહ અગાઉ વનડે વર્લ્ડ કપમાં બે ખેલાડીઓ એવા રહ્યા છે જેઓ એક પણ રન કર્યા વગર પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા હતા. ગ્લેન મેકગ્રાથે આ કારનામું 2007 વર્લ્ડ કપમાં કર્યું હતું. જ્યારે 11 મેચમાં તેમને એક પણ મેચમાં બેટિંગ કરવાની તક મળી નહતી. જ્યારે ઓસ્ટ્રેલિયાના જ મિશેલ સ્ટાર્કે પણ આ કારનામું 2015ના વર્લ્ડ કપમાં કર્યું હતું. ત્યારે સ્ટાર્કને બેટિંગની તક મળી હતી પરંતુ તેના બેટથી એક પણ રન થયો નહતો.