T20 World Cup: શું ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ શકે? પાકિસ્તાનીઓ કરે છે દુઆ, જુઓ સમીકરણો
Team India Semi Final Scenario: ગ્રુપ1 માં ભારતીય ટીમ 2 મેચ રમી છે અને બંને મેચ જીતી છે. આથી 4 પોઈન્ટ અને સારા રનરેટ +2.425 સાથે ગ્રુપમાં ટોપ પર છે. આમ છતાં જો કે ભારતીય ટીમ પર સેમીફાઈનલની રેસમાંથી બહાર થવાનું જોખમ તો તોળાઈ રહ્યું છે.
હાલ ટી20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. જેમાં ગઈ કાલે એક મોટો અપસેટ સર્જાયો અને અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવી દીધુ. જેના લીધે હવે અફઘાનિસ્તાન પણ સેમી ફાઈનલની રેસમાં છે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની મેજબાનીમાં રમાઈ રહેલા આ ટી20 વર્લ્ડ કપ 2024ના સેમી ફાઈનલ માટેના સમીકરણો ખુબ જ રોમાંચક બની રહ્યા છે. સુપર 8ના ગ્રુપ-2માંથી જો કે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રીકાએ ક્વોલિફાય કરી લીધુ છે જ્યારે ગ્રુપ 1 હજુ સુધી સંપૂર્ણ રીતે ખુલ્લું જ છે. એટલે કે કોઈ પણ ટીમ ક્વોલિફાય કરી ચૂકી નથી.
ગ્રુપ1 માં ભારતીય ટીમ 2 મેચ રમી છે અને બંને મેચ જીતી છે. આથી 4 પોઈન્ટ અને સારા રનરેટ +2.425 સાથે ગ્રુપમાં ટોપ પર છે. આમ છતાં જો કે ભારતીય ટીમ પર સેમીફાઈનલની રેસમાંથી બહાર થવાનું જોખમ તો તોળાઈ રહ્યું છે.
કોણ દુઆઓ માંગી રહ્યું છે?
હવે આ માટે બાકીની બે ટીમો ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાને પોતાની મેચો ખુબ મોટા અંતરથી જીતવી પડશે. આવામાં હવે પાકિસ્તાની ફેન્સ ભારતીય ટીમ આઉટ થઈ જાય તેવી દુઆ પણ માંગી રહ્યા છે. કેટલાક તો સોશિયલ મીડિયા પર આવા આવા સમીકરણો પણ શેર કરી રહ્યા છે. જે પૂરા થાય તો ભારતીય ટીમ બહાર થઈ શકે. સોશિયલ મીડિયા પર હવે આ ટ્રેન્ડ પણ થઈ રહ્યો છે. જાણો ભારત બહાર થઈ શકે તે માટે શું છે સમીકરણ?
પાકિસ્તાનીઓએ શેર કર્યા આવા સમીકરણ
- આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો રમાવવાનો છે. આ મેચમાં જો ઓસ્ટ્રેલિયા 41 કરતા વધુ રનથી મેચ જીતે તો તે નેટ રનરેટ મામલે ભારતને પછાડશે. આ સાથે જ 4 અંક સાથે ગ્રુપમાં ટોપ પર પહોંચી જશે. જ્યારે ભારતીય ટીમ બીજા નંબર પર આવશે.
-ત્યારબાદ ગ્રુપ 1ની છેલ્લી મેચ 25 જૂનના રોજ સવારે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. જો આ મેચ અફઘાનિસ્તાનની ટીમ 81 કે તેનાથી વધુ રનથી જીતે તો તે પણ 4 અંક અને સારા રનરેટ સાથે બીજા નંબર પર આવી જશે. આવી સ્થિતિમાં ભારત ત્રીજા નંબર પર આવશે અને સેમીફાઈનલની રેસમાંથી બહાર થશે.
શું સાચા પડી શકે?
જો કે તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ બહાર થાય તેવી સંભાવના તો ખુબ ઓછી છે. કહી શકાય કે નહિવત છે. તેનું એક કારણ એ પણ છે કે બંને મેચ પર વરસાદનો ઓછાયો મંડરાઈ રહ્યો છે. જો વરસાદના કારણે કોઈ પણ મેચ રદ થાય તો ભારત સેમીફાઈનલમાં પહોંચી જશે. આવામાં પાકિસ્તાની ફેન્સ ફક્ત પોતાની ખુશી માટે આ સમીકરણો શેર કરી રહ્યા છે.