T20 WC Final: બેન સ્ટોક્સ બન્યો હીરો, આ રહ્યાં ઈંગ્લેન્ડની જીતના પાંચ મોટા કારણ
ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ટી20 વિશ્વકપ 2022ના ફાઇનલમાં હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ઈંગ્લેન્ડે આ મુકાબલો પાંચ વિકેટથી જીત્યો છે. ઈંગ્લેન્ડે બીજીવાર ટ્રોફી પર કબજો કર્યો છે.
મેલબોર્નેઃ ઈંગ્લેન્ડે ટી20 વિશ્વકપ 2022ના ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટે પરાજય આપી બીજીવાર ટ્રોફી પોતાના નામે કરી છે. આ પહેલા ઈંગ્લેન્ડ 2010માં ટી20 વિશ્વકપમાં ચેમ્પિયન બન્યું હતું. ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વિશ્વકપ ફાઇનલમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 137 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની સામે નાનો ટાર્ગેટ આપવા છતાં પાકિસ્તાને હાર ન માની અને ઈંગ્લેન્ડના બેટરોને ઝડપી રન બનાવતા રોક્યા હતા. 13મી ઓવર સુધી મેચ પર પાકિસ્તાનની પકડ હતી. પરંતુ ત્યારબાદ હેરી બ્રુકનો કેચ લેવા સમયે શાહીન આફ્રિદીને ઈજા થઈ અને તે 16મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો તો માત્ર એક બોલ ફેંકી બહાર જતો રહ્યો હતો. તેનો ફાયદો ઈંગ્લેન્ડને મળ્યો હતો. આ છે ઈંગ્લેન્ડની જીતના પાંચ મોટા કારણો....
સેમ કરનનું રેકોર્ડ તોડ પ્રદર્શન
ટોસ જીતીને પહેલા બોલિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને સેમ કરને સારી શરૂઆત અપાવી હતી. કરને મોહમ્મદ રિઝવાનને આઉટ કરી પાકિસ્તાનને પ્રથમ ઝટકો આપ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાને નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. કરને શાન મસૂદને આઉટ કર્યો, જે સારી બેટિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ તેણે નવાઝને આઉટ કર્યો હતો. સેમ કરને ફાઇનલમાં 3 અને ટૂર્નામેન્ટમાં 13 વિકેટ લીધી હતી. તે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પણ રહ્યો છે.
બેન સ્ટોક્સ બન્યો હીરો
ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ મોટી મેચોનો ખેલાડી છે. તેણે ઈંગ્લેન્ડને બીજીવાર વિશ્વ વિજેતા બનાવ્યું છે. આ પહેલા વનડે વિશ્વકપ 2019માં તેણે ઈંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તેણે આજે ફાઇનલમાં પાકિસ્તાન સામે મુશ્કેલ સમયમાં 49 બોલમાં 52 રન બનાવી ટીમને જીત અપાવી હતી.
આ પણ વાંચોઃ મેલબોર્નમાં 1992નું પુનરાવર્તન ન કરી શકી પાકિસ્તાની ટીમ, આ રહ્યાં હારના 5 કારણ
શાહીન આફ્રિદીને થઈ ઈજા
પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ઈજા થતાં ઈંગ્લેન્ડનો મોટો ફાયદો પહોંચ્યો. આફ્રિદી ઈનિંગની 13મી ઓવરમાં કેચ લેવા સમયે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તે બોલિંગ કરવા આવ્યો તો માત્ર એક બોલ ફેંકી શક્યો હતો. જેના કારણે ઈંગ્લેન્ડની ટીમને ફાયદો થયો હતો.
પાકિસ્તાને અંતિમ ઓવરોમાં મેચ ગુમાવી
ઈંગ્લેન્ડે 15 ઓવર સુધી 4 વિકેટ ગુમાવી 97 રન બનાવ્યા હતા અને જીત માટે 30 બોલમાં 41 રનની જરૂર હતી. પરંતુ આફ્રિદીની ઈજાને કારણે પાકિસ્તાને મેચ પર પડક ગુમાવી દીધી હતી. આફ્રિદીની સાથે ઇફ્તિખાર બોલિંગ કરવા આવ્યો અને તેણે 5 બોલમાં 13 રન આપી દીધા હતા. ત્યારબાદ ઈંગ્લેન્ડે એક ઓવર બાકી રહેતા મેચ પોતાના નામે કરી લીધી હતી.
ફાઇનલમાં પાકિસ્તાની બેટરોનો ફ્લોપ શો
પાકિસ્તાન માટે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને સારી શરૂઆત આપી નહીં. પરંતુ આ સિવાય મધ્યમક્રમના બેટરોએ પણ સારૂ પ્રદર્શન કર્યું નહીં. પાકિસ્તાને શરૂઆતી 4 ઓવરમાં 28 રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ ઈંગ્લેન્ડે વાપસી કરતા નિયમિત અંતરે વિકેટ પણ ઝડપી હતી. ફાઇનલમાં પાકિસ્તાનના ચાર બેટર તો બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યા નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube