T20 World Cup: વિશ્વકપ પહેલા ફિટ થયો પાકિસ્તાનનો સ્ટાર બોલર, ભારત માટે બની શકે છે ખતરો
આઈસીસી ટી20 વિશ્વકપ શરૂ થતાં પહેલા પાકિસ્તાન માટે સારા સમાચાર આવી ગયા છે. પાકિસ્તાનનો સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી ફિટ થઈ ગયો છે અને તે ભારત સામે પ્રથમ મેચમાં રમશે.
નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ટી20 વિશ્વકપ શરૂ થવાના થોડા દિવસ પહેલા સારા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાદ આફ્રિદી ઘુંટણની ઈજામાંથી સાજો થઈ ગયો છે અને તે ભારત વિરુદ્ધ 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનાર મુકાબલામાં રમતો જોવા મળશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ કહ્યુ કે શાહીન શાહ આફ્રિદીને ફરી ફિટ જાહેર કરી દેવામાં આવ્યો છે અને તે 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત વિરુદ્ધ ટી20 વિશ્વકપ 2022ની પ્રથમ મેચ રમશે. પાકિસ્તાનનો ફાસ્ટ બોલર ઈંગ્લેન્ડ સિરીઝ અને એશિયા કપમાંથી બહાર રહ્યો હતો. પાકિસ્તાનની ચેનલ ડોન ન્યૂઝ સાથે વાત કરતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેને કહ્યું કે આફ્રિદી વિશ્વકપ માટે વાપસી કરશે. પરંતુ ટીમ માટે ખરાબ સમાચાર છે કે લેગ સ્પિનર ઉસ્માન કાદિર ઈજાગ્રસ્ત થઈ ગયો છે.
રમીઝ રાજાએ ડોન ન્યૂઝને જણાવ્યું- ઉસ્માન કાદિર ઈજાગ્રસ્ત થઈ ગયો છે. તેને આંગળીમાં હેરલાઇન ફ્રેક્ચર છે, અમે જોશું કે અમારી પાસે શું વિકલ્પ છે, ફખર ઝમાન ફિટ થઈ રહ્યો છે. મને લાગે છે કે તે ખુબ મહત્વપૂર્ણ હોઈ શકે છે.
શાહીન આફ્રિદીને આ ઈજા જુલાઈના મધ્યમાં ગોલમાં શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં ફીલ્ડિંગ દરમિયાન થઈ હતી. આ ઈજાને કારણે તે એશિયા કપ, નેધરલેન્ડ સિરીઝ અને એશિયા કપમાંથી બહાર રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube