T20: ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 14 રને હરાવ્યું, સિરીઝમાં 2-1થી આગળ
નેલ્સનમાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ઈંગ્લેન્ડને 14 રને હરાવી પાંચ મેચોની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે.
નેલ્સન (ન્યૂઝીલેન્ડ): ન્યૂઝીલેન્ડે મંગળવારે અહીં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને 14 રને પરાજય આપ્યો હતો. આ રોમાંચક મેચમાં જીતની સાથે ન્યૂઝીલેન્ડે પાંચ મેચોની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. સિરીઝનો ચોથો મુકાબલો 8 નવેમ્બરે નેપિયરમાં રમાશે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 180 રન બનાવ્યા, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ સાત વિકેટ પર 166 રન બનાવી શકી હતી.
કોલિન ડી ગ્રાન્ડહોમને તેની શાનદાર અડધી સદીની ઈનિંગ માટે 'મેન ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો હતો. આ પહેલા ન્યૂઝીલેન્ડે માર્ટિન ગુપ્ટિલ (33)એ આક્રમક શરૂઆત અપાવી અને યજમાન ટીમનો સ્કોર 4 ઓવરમાં 40ને પાર પહોંચાડ્યો હતો. તે પેટ બ્રાઉનનો શિકાર બન્યો હતો. અહીંથી ઈંગ્લેન્ડના બોલરોએ ટીમને વાપસી કરાવી અને એક સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર 3 વિકેટ પર 69 રન કરી દીધો હતો. ઓપનિંગ બેટ્સમેન કોલિન મુનરો (6) અને ટિમ સિફર્ટ (7) ઝડપથી આઉટ થઈ ગયા હતા.
ન્યૂઝીલેન્ડને કોલિન ડી ગ્રાન્ડહોમે સંભાળ્યું હતું. તેણે અનુભવી રોસ ટેલર (27)ની સાથે મળીને 66 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. 135ના સ્કોર પર ગ્રાન્ડહોમ (55) આઉટ થયો હતો. અંતમાં જેમ્શ નીશામ (20) અને મિશેલ સેન્ટનર (15)એ ટીમનો સ્કોર 180 સુધી પહોંચાડ્યો હતો.
ઈંગ્લેન્ડ માટે ટોમ કિરને સૌથી વધુ 2 વિકેટ ઝડપી, જ્યારે સેમ કરન, સાકિબ મહમૂદ, બ્રાઉન અને મેથ્યૂ પાર્કિન્સને 1-1 વિકેટ મળી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ માટે પ્રથમ મેચ રમી રહેલ ટોમ બેન્ટને 10 બોલમાં 18 રન ફટકાર્યા અને કુલ 27ના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ડેવિડ મલાને જેમ્સ વિન્સની સાથે મળીને 63 રનની ભાગીદારી કરી હતી.
બેડમિન્ટનઃ ચીન ઓપનના પ્રથમ રાઉન્ડમાં હાર્યા પીવી સિંધુ અને પ્રણોય
90ના સ્કોર પર મલાન 55 રન બનાવી આઉટ થયો હતો. વિન્સ (49)એ કેપ્ટન ઇયોન મોર્ગન (18)ની સાથે 49 રન જોડ્યા અને મહેમાન ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. પરંતુ ન્યૂઝીલેન્ડના બોલરોએ દમદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડના મધ્યમક્રમને રન બનાવતા રોક્યું હતું. ન્યૂઝીલેન્ડ માટે લોકી ફર્ગ્યુસન અને બ્લેન ટિકનરને 2-2 વિકેટ મળી જ્યારે સેન્ટનર અને સોઢીને એક-એક વિકેટ મળી હતી.