સ્ટીવ સ્મિથ બાદ હવે ડેવિડ વોર્નર નહીં કરે પ્રતિબંધ વિરુદ્ધ અપીલ
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પૂર્વ વાઇસ-કેપ્ટન ડેવિડ વોર્નરે પણ બોલ ટેમ્પરિંગ મામલામાં પોતાના સાથી ખેલાડીઓ, પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને બેનક્રોફ્ટનો સાથ આપતા સ્વયં પર લાગેલા પ્રતિબંધ વિરુદ્ધ અપીલ ન કરવાનો નિર્ણય કર્યો છે.
સિડનીઃ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પૂર્વ વાઇસ-કેપ્ટન ડેવિડ વોર્નરે પણ બોલ ટેમ્પરિંગ મામલામાં પોતાના સાથી ખેલાડીઓ, પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને બેનક્રોફ્ટનો સાથ આપતા સ્વયં પર લાગેલા પ્રતિબંધ વિરુદ્ધ અપીલ ન કરવાનો નિર્ણય કર્યો છે. વોર્નરે ગુરૂવારે એક ટ્વીટ કરીને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. સ્મિથ અને બેનક્રોફ્ટ પહેલા જ સજાનો સ્વીકાર કરી ચૂક્યા છે.
બોલ ટેમ્પરિંગ મામલામાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) દ્વારા લગાવેલા 12 મહિનાના પ્રતિબંધને સ્વીકાર કરતા વોર્નરે ટ્વીટ કર્યું, હું આજે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ને તે જણાવી દેવા માંગુ છું કે, હું પૂર્ણ રીતે આ પ્રતિબંધનો સ્વીકાર કરૂ છું. હું મારા કાર્ય પર માફી માગું છું. એક સારો માણમ, એક સારો સાથી ખેલાડી અને આદર્શ બનવા માટે ગમે તે કરીશ.
પહેલા તેવી અટકળો હતી કે ડેવિડ વોર્નર સજાને પડકારી શકે છે. પરંતુ વોર્નરે તમામ અટકળો પર પૂર્ણવિરામ લગાવતા સજાનો સ્વીકાર કરી લીધો છે. વોર્નર પહેલા બુધવારે ટ્વીટના માધ્યમથી સ્મિથ અને બેનક્રોફ્ટે આ મામલામાં ટ્વીટ કરીને સીએ દ્વારા લગાવેલા પ્રતિબંધનો સ્વીકાર કરી લીધો. તેણે પણ અપીલ ન કરવાનો નિર્ણય લીધો હતો.
આ પહેલા સ્મિથે પોતાના એક ટ્વીટમાં કહ્યું, હું આ ઘટનાને ભૂલવા અને પોતાના દેશના ક્રિકેટમાં ફરીથી પ્રતિનિધિત્વ કરવા માટે ગમે તે કરીશ. મેં જે કહ્યું, હું તે વાતનું મૂલ્ય રાખુ છું અને ટીમના કેપ્ટનના રૂપમાં આ ઘટનાની જવાબદારી સ્વીકારૂ છું.
પોતાના ટ્વીટમાં સ્મિથે કહ્યું, હું આ પ્રતિબંધ વિરુદ્ધ અપીલ નહીં કરૂ. સીએએ આ પ્રતિબંધ એક મોટો સંદેશ આપવા માટે લગાવ્યો છે અને મેં તેને સ્વીકાર કર્યો છે.
પ્રતિબંધ વિરુદ્ધ બેનક્રોફ્ટ પણ નહીં કરે અપીલ
બેનક્રોફ્ટે કહ્યું, મેં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે દસ્તાવેજી કામ પૂરૂ કર્યું છે અમે હું સ્વયં પર લાગેલા પ્રતિબંધનો સ્વીકાર કરી રહ્યો છું. હું આ મામલાને પાછળ છોડવા અને ઓસ્ટ્રેલિયાની જનતાનો વિશ્વાસ જીતવા માટે ગમે તે કરીશ. મારૂ સમર્થન કરનારા તમામ લોકોનો આભાર.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાં સ્મિથ, પૂર્વ વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર અને બેટ્સમેન કેમરન બેનક્રોફ્ટને બોલ ટેમ્પરિંગ માટે દોષિત સાબિત થયા હતા. આ ઘટનાની તપાસ બાદ સ્મિથ તથા વોર્નર પર 12 મહિનાનો પ્રતિબંધ અને બેનક્રોફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.