DLF થી TATA IPL સુધી, આવી રીતે બદલાયું ટુર્નામેન્ટનું નામ, થયો પૈસાનો વરસાદ!
TATA ગ્રૂપ આઈપીએલનું ટાઈટલ સ્પોન્સર હશે અને તે ચીની મોબાઈલ કંપની વીવોની જગ્યા લેશે. ટાટાની આ ડીલ કેટલા રૂપિયામાં થઈ છે તેના વિશે કોઈ જાણકારી મળી શકી નથી.
નવી દિલ્લી: આખી દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગને નવું ટાઈટલ સ્પોન્સર મળી ગયું છે. ટાટા ગ્રૂપ આઈપીએલનું નવું ટાઈટલ સ્પોન્સર હશે. અને તે ચાઈનીઝ મોબાઈલ કંપની વીવોની જગ્યા લેશે. ટાટાની આ ડીલ કેટલા રૂપિયામાં થઈ છે તેના વિશે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી. જોકે આઈપીએલના ઈતિહાસને જોઈએ તો વર્ષ 2008થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટની સફર હજુ સુધી ચાલુ છે. છેલ્લાં 13 વર્ષમાં આઈપીએલ એક મોટું નામ બની ગયું છે અને દુનિયાભરમાં તેના પ્રશંસક છે. શરૂઆતથી લઈને અત્યાર સુધી આઈપીએલ પર પૈસાનો વરસાદ થતો રહ્યો છે.
ટાટા આઈપીએલનું પાંચમું સ્પોન્સર:
આઈપીએલના ઇતિહાસ પર નજર કરીએ તો ટાટા પાંચમું સ્પોન્સર છે. જેને ટાઈટલ સ્પોન્સરશિપ કરવાની જવાબદારી મળી છે. અત્યાર સુધી કેવી રીતે આઈપીએલનું નામ બદલાયું છે, જાણો અને સ્પોન્સરશિપના કેટલાં પૈસા ચૂકવવા પડ્યા છે.
1. વર્ષ 2008થી 2012 - DLF IPL (40 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ)
2. વર્ષ 2013થી 2015 - Pepsi IPL (79.2 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ)
3. વર્ષ 2016થી 2017 - Vivo IPL (100 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ)
4. વર્ષ 2018થી 2019 - Vivo IPL (439.2 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ)
5. વર્ષ 2020 - Dream 11 IPL (222 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ)
6. વર્ષ 2021 - Vivo IPL (439.8 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ)
7. વર્ષ 2022 - Tata Group ()
મીડિયા રાઈટ્સની કિંમત 40,000 કરોડે પહોંચશે:
ઉલ્લેખનીય છે કે ટાઈટલ સ્પોન્સર થવાથી આઈપીએલની સાથે જ કંપનીનું નામ જોડાઈ જાય છે. વર્ષ 2023થી આઈપીએલના મીડિયા રાઈટ્સ પણ વહેંચવામાં આવશે. હજુ સુધી સ્ટારની પાસે આ રાઈટ્સ છે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ આશા વ્યક્ત કરી ચૂક્યા છે કે મીડિયા રાઈટ્સની કિંમત 40,000 કરોડ સુધી જઈ શકે છે. બીસીસીઆઈએ આ વર્ષે આઈપીએલમાં બે નવી ટીમને સામેલ કરી છે. અમદાવાદ અને લખનઉની ટીમથી બીસીસીઆઈને 12,000 કરોડ રૂપિયાથી વધારેની કમાણી થઈ છે.