IPL 2022 Prize Money: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે ફાઈનલની ટિકીટ મેળવવા માટે કરો યા મરોનો જંગ ખેલાયો હતો. જેમાં રાજસ્થાન રોયલ્સે બટલરની તોફાની ઈનિંગમાં બેંગ્લોરની ટીમનું સપનું રોળી નાંખ્યું હતું. હવે ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રવિવારે એ જ મેદાનમાં રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે, સમગ્ર વિશ્વમાં આઈપીએલ સૌથી મોટી લીગ છે. આઈપીએલમાં દર વર્ષે ક્રિકેટ જગતના અનેક દિગ્ગજ ખેલાડીઓ રમે છે. આઈપીએલમાં રમનાર ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે આઈપીએલની ટ્રોફી જીતનાર ટીમને ઈનામ સ્વરૂપે કેટલા રૂપિયા મળે છે. આઈપીએલમાં ચેમ્પિયન બનનાર ટીમથી લઈને ચોથા સ્થાને રહેલી ટીમને મોટી ઈનામી રકમ આપવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે IPL 2022માં કઈ નંબરની ટીમ કેટલી માલામાલ થશે.


પહેલી સીઝનમાં પણ હતી આટલી પ્રાઈઝ મની
આઈપીએલ એટલા માટે તો સમગ્ર વિશ્વમાં જાણીતી લીગ છે. તેના તોલે અત્યાર સુધી કોઈ દેશ સરખામણી કરી શક્યો નથી. તમને જણાવી દઈએ કે આઈપીએલની પહેલી સીઝન એટલે કે 2008માં થઈ હતી અને હાલ 15મી સીઝન ચાલી રહી છે. એટલું જ નહીં, આઈપીએલ વિશ્વભરમાં સૌથી વધુ જોવાતી પણ ક્રિકેટ લીગ છે. આઈપીએલની પહેલી સીઝનમાં ફાઈનલ જીતનાર ટીમને 4.8 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ પ્રાઈઝ મની હવે લગભગ ચાર ગણી વધી ગઈ છે. આઈપીએલની ગત વર્ષનો એવોર્ડ જીતનાર ટીમ ચેન્નાઈ સુપરકિંગને 20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, આ વર્ષે પણ આ પ્રાઈઝ મની એટલી જ રાખવામાં આવી છે.


IPL2022 ની ચેમ્પિયન ટીમ થશે માલામાલ
આઈપીએલની ફાઈનલ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અહીં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે ફાઈનલમાં ઝગમગાતી ટ્રોફી માટે મુકાબલો રમાશે. ફાઈનલ મેચ જીતનાર ટીમને 20 કરોડ રૂપિયાનું પ્રાઈઝ મની આપવામાં આવશે. આ વિશ્વભરમાં રમાડવામાં આવતી અલગ અલગ ટી20 લીગોમાંથી સૌથી વધારે છે. એટલું જ નહીં, ફાઈનલમાં હારનાર ટીમને પણ 13 કરોડ રૂપિયા આપવામાં આવશે, ગત વર્ષે આ રકમ 12.5 કરોડ રૂપિયા હતી. આઈપીએલ 2022માં ત્રીજા અને ચોથા સ્થાન પર રહેલી ટીમોને 7-7 કરોડ રૂપિયા આપવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં અનેક ટી20 લીગો રમાડવામાં આવે છે, પરંતુ કોઈ પણ લીગમાં આટલી મોટી પ્રાઈઝ મની આપવામાં આવતી નથી. આઈપીએલ બાદ કેરેબિયન પ્રીમિયર લીગમાં સૌથી વધારે ઈનામી રકમ આપવામાં આવે છે. કેરેબિયન પ્રીમિયર લીગનો એવોર્ડ જીતનાર ટીમને 7.5 કરોડ રૂપિયા આપવામાંઆવે છે, જ્યારે પાકિસ્તાન સુપર લીગ (PSL)થી વધારે પ્રાઈઝમની તો બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) માં આપવામાં આવે છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં 6.34 કરોડ રૂપિયાની રકમ ઈનામ રૂપે અપાય છે, જ્યારે પાકિસ્તાન સુપર લીગમાં આ રકમ માત્ર 3.73 કરોડ રૂપિયા જ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube