વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ બે વનડે માટે ભારતીય ટીમની જાહેરાત, રિષભ પંતને મળ્યું સ્થાન
ભારતીય પસંદગીકારોએ પ્રથમ બે વનડે માટે ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને આરામ આપ્યો છે.
મુંબઈઃ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 21મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી પાંચ મેચોની વનડે શ્રેણીના પ્રથમ બે વનડે માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય પસંદગીકારોએ 14 સભ્યોની જાહેરાત કરી છે. એશિયા કપમાં આરામ અપાયા બાદ વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડેમાં રમશે. ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. તો ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વનડે ટીમમાં વાપસી થઈ છે. એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરનાર રવીન્દ્ર જાડેજાને પણ વનડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. એશિયા કપમાં પર્દાપણ કરનાર ફાસ્ટ બોલર ખલીલ અહમદનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સૌથી મહત્વની વાત તે છે કે, રિષભ પંતને પણ પ્રથમવાર વનડે ટીમમાં સ્થાન મળ્યું છે. પરંતુ ધોનીની હાજરીમાં પંતને વનડેમાં પર્દાપણની તક મળશે કે નહીં, તે જોવાનું રહેશે. ભારતીય ટીમે ત્રણ ઓપરન રોહિત શર્મા, ધવન અને રાહુલને પણ ટીમમાં સ્થાન આપ્યું છે. આ સાથે મીડલ ઓર્ડરમાં અંબાતી રાયડૂ, મનિષ પાંડેને સ્થાન મળ્યું છે. એશિયા કપમાં ઈજાગ્રસ્ત થનાર કેદાર જાધવ અને હાર્દિક પંડ્યા હજુ ફિટ થયા નથી.
પ્રથમ બે વનડે માટે ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, મનિષ પાંડે, એમ.એસ.ધોની, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ખલીલ અહમદ, શાર્દુલ ઠાકુર, કેએલ રાહુલ.
વનડે શ્રેણીનો કાર્યક્રમ
21 ઓક્ટોબર - પ્રથમ વનડે, ગુવાહાટી
24 ઓક્ટોબર - બીજી વનડે, વિશાખાપટ્ટનમ
27 ઓક્ટોબર - ત્રીજી વનડે, પુણે
29 ઓક્ટોબર - ચોથી વનડે, મુંબઈ
1 નવેમ્બર - પાંચમી વનડે, તિરૂવનંતપુરમ