IND Vs WI Test: ટીમ ઈન્ડિયા સાથે `દગો`? વેસ્ટ ઈન્ડિઝની `B ટીમ` સાથે મેચ રમ્યા? અસલ ટીમ તો ક્યાંક બીજે છે!
India vs West Indies Test Series: વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે પહેલી ટેસ્ટ મેચ જીતીને શાનદાર શરૂઆત કરી. પરંતુ અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે વેસ્ટ ઈન્ડિઝના કેટલાક સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં વેસ્ટ ઈન્ડિઝની આ ટીમ B ટીમ જેવી લાગી રહી છે.
India vs West Indies Test Series: રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. અહીં ભારતીય ટીમે 2 ટેસ્ટ, 3 વનડે અને પાંચ ટી20 મેચોની સિરીઝ રમવાની છે. પહેલી ટેસ્ટ મેચ 12 જુલાઈથી શરૂ થઈ હતી જેને ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને માત્ર 3 દિવસમાં એક ઈનિંગ અને 141 રનથી હરાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ અગાઉ વનડે વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય કરી શકી નહતી. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં તેના ખરાબ હાલ થયા. આવામાં આ ટેસ્ટ સિરીઝ પહેલા જ દિગ્ગજો અને ફેન્સે એ જણાવી દીધુ હતું કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ખુબ જ નબળી છે અને ટીમ ઈન્ડિયા તેને ક્લીન સ્વીપ કરી દેશે. પહેલી ટેસ્ટનું પરિણામ જોતા લાગે છે કે સાચે જ ભારતીય ટીમ તેને ક્લીન સ્વીપ કરી શકે છે.
અમેરિકી લીગમાં રમે છે 8 કેરેબીયન પ્લેયર
આખરે ફેન્સ અને દિગ્ગજોએ વેસ્ટ ઈન્ડિઝની ટીમને નબળી કેમ સમજી? શું વર્લ્ડ કપ માટે ક્વોલિફાય ન કરી શકે એટલે? હકીકતમાં તેની પાછળનું એક મોટું કારણ એ પણ છે કે વેસ્ટ ઈન્ડિઝના મોટા ખેલાડીઓને ટીમમાં સામેલ કરાયા નથી. નિકોલસ પૂરન અને શિમરોન હેટમાયર જેવા દમદાર ખેલાડીઓ ટીમમાં નથી. આ બંને સહિત કેટલાક સ્ટાર પ્લેયર અમેરિકામાં ચાલી રહેલી મેજર લીગ ક્રિકેટ (MLC) માં રમી રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમો છે. જેમાંથી 5 ટીમોમાં વેસ્ટ ઈન્ડિઝના કુલ 8 ખેલાડી રમી રહ્યા છે. આ તમામ પ્લેયર અકીલ હુસૈન, સુનીલ નરેન, આંદ્રે રસેલ, કીરોન પોલાર્ડ, નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, હેડન વોલ્શ જૂનિયર અને ડ્વેન બ્રાવો છે.
આ 4 ખેલાડી ટેસ્ટ સિરીઝ રમી શકતા હતા
જો કે તેમાંથી સુનિલ નરેન, આંદ્રે રસેલ, કીરોન પોલાર્ડ, અને ડ્વેન બ્રાવો હવે વેસ્ટ ઈન્ડિઝ માટે બહુ ઓછા રમતા હોવા મળે છે. ખાસ કરીને ટેસ્ટ મેચમાં તો આ ખેલાડીઓ લાંબા સમયથી રમ્યા નથી. પોલાર્ડે તો ડેબ્યૂ પણ કર્યું નથી. જ્યારે આ 8 ખેલાડીઓમાંથી 4 ખેલાડીઓ તો એવા છે જે વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ ટીમમાં રમી શકતા હતા.
આ ચારેય ખેલાડીઓમાં 27 વર્ષના નિકોલસ પૂરન, 26 વર્ષના શિમરોન હેટમાયર, 30 વર્ષના અકીલ હુસૈન અને 31 વર્ષના હેડન વોલ્શ જૂનિયરનો સમાવેશ થાય છે. જો આ ચારેય ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સામેલ હોતતો ટેસ્ટ મેચનો રોમાંચ અલગ જ હોઈ શકતો હતો.
હેટમાયરે છેલ્લી ટેસ્ટ મેચ નવેમ્બર 2019માં અફઘાનિસ્તાન વિરુદધ રમી હતી. તે હાલ સારા ફોર્મમાં છે. આ સાથે જ નિકોલસ પૂરને ટેસ્ટમાં હજુ સુધી ડેબ્યુ કર્યું નથી. પરંતુ વનડેમાં તેઓ જબરદસ્ત ફોર્મમાં છે. તેમણે છેલ્લી 7 વનડે મેચોમાં 2 સદી ફટકારી છે. આ મેચ વર્લ્ડ કપ ક્વોલિફાયર હેઠળ રમાઈ હતી. આવામાં પૂરનને ટેસ્ટમાં તક મળવી જોઈતી હતી.
વેસ્ટ ઈન્ડિઝ માટે મેચ વિનર બની શકતા હતા આ સ્પિનર
આ ઉપરાંત લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ અકીલ હુસૈન અને લેગ સ્પીનર હેડન વોર્શને પણ ટેસ્ટ સિરીઝમાં તક મળી શકે તેમ હતી. પહેલી ટેસ્ટમાં ભારતીય સ્પીનર રવિચંદ્રન અશ્વિન (12), અને રવિન્દ્ર જાડેજા (5) એ મળીને કુલ 20માંથી 17 વિકેટ લીધી હતી. આવામાં જો અકીલ અને હેડન પણ વેસ્ટ ઈન્ડિઝ ટીમમાં હોત તો ભારતીય ટીમ માટે રન બનાવવું મુશ્કેલ બની શકતું હતું.
બીજી ટેસ્ટ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે બીજી ટેસ્ટ માટે સ્કવોડની જાહેરાત કરી દીધી છે. બીજી ટેસ્ટ માટે વિન્ડિઝ ટીમમાં વધુ ફેરફાર થયો નથી. 13 સભ્યોની ટીમમાં રેમન રીફરના સ્થાને કેવિન સિંક્લેયરને જગ્યા મળી છે. સિંક્લેયર એક ઓફ સ્પીનર છે અને તેણે હજુ સુધી ટેસ્ટ ક્રિકેટ રમ્યું નથી.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ: ક્રેગ બ્રેથવેટ (કેપ્ટન), જર્મેન બ્લેકવુડ (વાઈસ કેપ્ટન), એલિક અથાનાઝે, ટેગેનરીન ચંદ્રપોલ, રહકીમ કોર્નવોલ, જોશુઆ દા સિલ્વા, શૈનન ગેબ્રિયલ, જેસન હોલ્ડર, અલ્ઝારી જોસેફ, કિર્ક મેકેન્ઝી, કેવિન સિંક્લેયર, કેમાર રોચ, જોમેલ વોરિકન.
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), કે એસ ભરત (વિકેટકિપર), ઈશાન કિશન (વિકેટકિપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશકુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube