ગળામાં મેડલ અને હાથમાં ટ્રોફી...આ રીતે એરપોર્ટથી બહાર નીકળ્યા રોહિત શર્મા સહિત ખેલાડીઓ, જુઓ Video
ટી20 વર્લ્ડ કપ 2024 જીતીને ભારતીય ક્રિકેટ ટીમનું સ્વદેશ આગમન થઈ ચૂક્યું છે. ટીમ ઈન્ડિયા દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 પહોંચી. ટીમ માટે એક સ્પેશિયલ બસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાએ દિલ્હી એરપોર્ટ પહોંચતા જ સૌથી પહેલા ઈમિગ્રેશન સંબંધિત કાર્યવાહી પૂરી કરી.
ટી20 વર્લ્ડ કપ 2024 જીતીને ભારતીય ક્રિકેટ ટીમનું સ્વદેશ આગમન થઈ ચૂક્યું છે. ટીમ ઈન્ડિયા દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 પહોંચી. ટીમ માટે એક સ્પેશિયલ બસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાએ દિલ્હી એરપોર્ટ પહોંચતા જ સૌથી પહેલા ઈમિગ્રેશન સંબંધિત કાર્યવાહી પૂરી કરી. ત્યારબાદ તે આઈટીસી મૌર્ય હોટલ રવાના થઈ ગઈ.
ભારતીય ટીમની એક ઝલક જોવા માટે અનેક ફેન્સ દિલ્હી એરપોર્ટ પર વહેલા પહોંચી ગયા હતા. ટીમ ઈન્ડિયા જેવી એરપોર્ટથી બહાર નીકળી કે ફેન્સ પણ ઈન્ડિયા ઈન્ડિયાના નારા લગાવતા જોવા મળ્યા.
બીસીસીઆઈએ એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત ટીમના અનેક ખેલાડીઓ ટ્રોફી સાથે જોવા મળી રહ્યા છે. જ્યારે રોહિત શર્મા ટ્રોફી લહેરાવતા જોવા મળ્યા. અત્રે જણાવવાનું કે બાર્બાડોસમાં રમાયેલી ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં ભારતે દક્ષિણ આફ્રીકાને 29 જૂનના રોજ 7 રનથી હરાવી દીધુ હતું. નિર્ધારિત કાર્યક્રમ મુજબ ભારતીય ક્રિકેટ ટીમની ફ્લાઈટ સવારે 6 વાગે દિલ્હી પહોંચી.
તોફાનમાં ફસાઈ હતી ટીમ
અત્રે જણાવવાનું કે ફાઈનલ મેચ બાદ બાર્બાડોસમાં મહાતોફાનનો કહેર વર્તાતા ટીમ ઈન્ડિયા હોટલમાં જ ફસાયેલી હતી. બીસીસીઆઈ સચિવ જય શાહના ભરચક પ્રયત્નોના કારણે ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ભારતીય ટીમ દિલ્હી પહોંચી. ટીમ ઈન્ડિયાનું જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું.
પીએમ મોદીને મળશે
દિલ્હી પહોંચ્યા બાદ ભારતીય ટીમનો કાર્યક્રમ નક્કી છે. થોડીવાર હોટલમાં આરામ કર્યા બાદ ભારતીય ટીમના બધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ 11 વાગે પીએમ મોદીને મળશે. ત્યારબાદ રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયા મુંબઈ માટે રવાના થશે. સાંજે 5 વાગે મુંબઈમાં રોડ શો થશે અને ત્યારબાદ મુંબઈના પ્રસિદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં ટીમ આ જીતનો જશ્ન મનાવશે અને તેમને સન્માનિત કરવામાં આવશે.
06:00 વાગે: દિલ્હી એરપોર્ટ પર આગમન
06:45 વાગે: આઈટીસી મૌર્યા, દિલ્હીમાં આગમન
09:00 વાગે: આઈટીસી મૌર્યાથી પીએમ ઓફિસ માટે પ્રસ્તાન
10:00 - 12:00 વાગે: પીએમ ઓફિસમાં સમારોહ
12:00 વાગે: આઈટીસી મૌર્યા માટે પ્રસ્થાન
12:30 વાગે: આઈટીસી મૌર્યાથી એરપોર્ટ પ્રસ્થાન
14:00 વાગે: મુંબઈ જવા નીકળશે
16:00 વાગે: મુંબઈ એરપોર્ટ પર આગમન
17:00 વાગે: વાનખેડે સ્ટેડિયમમાં આગમન
17:00 - 19:00 વાગે: ખુલ્લી બસમાં પરેડ
19:00 - 19:30 વાગે: વાનખેડે સ્ટેડિયમમાં નાનકડો સમારોહ
19:30 વાગે: હોટલ તાજ, એપોલો બંદર માટે પ્રસ્થાન
જય શાહ અને રોહિત શર્માએ કરી અપીલ
બીસીસીઆઈ સચિવ જય શાહે આ અંગે એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે થનારી વિક્ટ્રી પરેડમાં અમારી સાથે શામેલ થાઓ. જય શાહે વધુમાં લખ્યું કે અમારી સાથે ઉજવણી કરવા માટે 4 જુલાઈ સાંજે 5 વાગ્યાથી મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમ પહોંચો, તારીખ યાદ રાખો.
રોહિત શર્માએ પણ આ વિક્ટ્રી પરેડ અંગે ભાવુક અપીલ કરી. રોહિતે પોતાની પોસ્ટમાં લખ્યું કે અમે આપ સૌથી સાથે આ ખાસ પળોને એન્જોય કરવા માંગીએ છીએ. તો ચાલો 4 જુલાઈ સાંજે 5 વાગ્યાથી મરીન ડ્રાઈવ અને વાનખેડેમાં વિક્ટ્રી પરેડ સાથે આ જીતની ઉજવણી કરીએ.
અત્રે જણાવવાનું કે આ પ્રકારનો રોડ શો 17 વર્ષ પહેલા પણ કરાવવામાં આવ્યો હતો. જ્યારે મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વવાળી ટીમે 2007માં દક્ષિણ આફ્રીકામાં પ્રથમ ટી20 વર્લ્ડ કપ ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ખિતાબ જીત્યો હતો. રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમે પણ 29 જૂનના રોજ બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલમાં દક્ષિણ આફ્રીકાને 7 રનથી હરાવીને ખિતાબ જીત્યો હતો.