IND vs ENG ત્રીજી ટેસ્ટઃ ટીમ ઈન્ડિયા વિજયથી માત્ર એક વિકેટ દૂર, ઈંગ્લેન્ડ 311/9
ઈંગ્લેન્ડના જીતવા માટે 210 રન બનાવવાના છે, જ્યારે તેની એક જ વિકેટ બાકી છે, બુમરાહે લીધી સૌથી વધુ 5 વિકેટ
નોટિંઘમઃ બીજી ઈનિંગ્સમાં 521 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડી ટીમે ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે 9 વિકેટ ગુમાવીને 311 રન બનાવ્યા છે. હજુ તેણે મેચ જીતવા માટે 210 રન બનાવવાના છે, જ્યારે તેની એકમાત્ર વિકેટ બાકી છે. ટીમ ઈન્ડિયાનો વિજય હવે માત્ર એક વિકેટ દૂર છે.
ભારતીય ટીમે ત્રીજી દિવસે ટી બ્રેક બાદ 7 વિકેટ ગુમાવીને 352 રને દાવ ડિક્લેર કર્યો હતો અને ઈંગ્લેન્ડ પર 520 રનની વિશાળ લીડ મેળવી લીધી હતી. ઈંગ્લેન્ડે રમતના અંત સુધીમાં વિના વિકેટે 23 રન બનાવ્યા હતા. ચોથા દિવસે 23ના સ્કોર સાથે રમવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી નહીં અને ટીમના 27ના સ્કોરે તેણે ઓપનર કેટન જેનિંગ્સની પ્રથમ વિકેટ ગુમાવી. ત્યાર બાદ ટીમના 32ના સ્કોરે એલિસ્ટર કૂક પણ આઉટ થઈ ગયો. ઈંગ્લેન્ડને ટીમના 62ના સ્કોરે એકસાથે બે ઝટકા લાગ્યા. કેપ્ટન જો રૂટ અંગત 13 રને બુમરાહના બોલ પર રાહુલના હાથે કેચ આઉટ થયો, તેના તરત બાદ ઓલી પોપ પણ શમીના બોલે કોહલીને કેચ આપી બેઠો.
ત્યાર બાદ રમવા આવેલા જોસ બટલર અને બેન સ્ટોક્સે બાજી સંભાળી લીધી અને ટીમના સ્કોરને વધુ મજબુત કરવાનો પ્રયાસ કર્યો. ટીમના 231ના સ્કોર ઈંગ્લેન્ડને ફરીથી એકસાથે બે ઝટકા મળ્યા. જોસ બટલર 106 રન બનાવીને બુમરાહના બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો. ત્યાર બાદ જોની બેરસ્ટોને શૂન્ય રને બુમરાહે બોલ્ડ કરી દીધો હતો.
ઈંગ્લેન્ડની ટીમ તેના સ્કોરમાં હજુ 10 રન જ ઉમેરી શકી હતી કે 241ના સ્કોર પર ક્રીસ વોક્સ પણ અંગત 4 રને આઉટ થઈ ગયો. તેની પાછળ ને પાછળ બેન સ્ટોક્સ પણ અંગત 62ના સ્કોરે હાર્દિકના બોલ પર રાહુલને કેચ આપી બેઠો. ત્યાર બાદ ઈંગ્લેન્ડના 291ના સ્કોરે સ્ટુઅર્ટ બ્રોડની 9મી વિકેટ પડી. રમતના અંતે આદિલ રશિદ (30) અને એન્ડરસન (8) રને ક્રીઝ પર હતા.
બીજી ઈનિંગ્સમાં ભારતનો જસપ્રીત બુમરાહ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 29 ઓવરમાં 85 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. ઈશાંત શર્માએ 2, જ્યારે શમી અને હાર્દિકે 1-1 વિકેટ લીધી હતી. પ્રથમ ઈનિંગ્સમાં હાર્દિક પંડ્યાએ ઈંગ્લેન્ડની 5 વિકેટ ઝડપી હતી.