Team India : રોહિત થયો નિવૃત્ત, હવે કોણ હશે ટીમ ઈન્ડિયાનો T20I કેપ્ટન? આ ત્રણ ખેલાડી દાવેદાર
T20 વિશ્વકપ જીતવાની સાથે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. હવે સૌથી મોટો સવાલ છે કે આગામી સમયમાં ટી20 ટીમની કમાન કોણ સંભાળશે?
Team India Next T20I Captain : ભારત ટીમે 17 વર્ષ બાદ આઈસીસી ટી20 વિશ્વકપની ટ્રોફી જીતી લીધી છે. બાર્બાડોસના કેસિંગ્ટન ઓવલ મેદાન પર આફ્રિકાને ફાઈનલમાં 7 રને હરાવી ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી હતી. આ જીત સાથે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. રોહિતની નિવૃત્તિ બાદ હવે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોણ હશે? તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાર્દિક પંડ્યા રેસમાં સૌથી આગળ છે, કારણ કે તે ટીમનો વાઇસ કેપ્ટન પણ છે. આ સિવાય બે એવા ખેલાડી છે જે કેપ્ટન બનવા માટે દાવેદાર છે.
હાર્દિક પંડ્યાને મળી શકે છે કમાન
ટી20 વિશ્વકપ 2024માં શાનદાર પ્રદર્શન કરતા ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર હાર્દિક પંડ્યા ટી20નો કેપ્ટન બની શકે છે. તે આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં ટીમનો વાઇસ કેપ્ટન પણ હતો. તેની પાસે કેપ્ટનશિપનો અનુભવ છે. તે આઈપીએલમાં પણ છેલ્લા ત્રણ વર્ષથી કેપ્ટન છે. રોહિતની વિદાય બાદ હાર્દિક પંડ્યા ટીમની કમાન સંભાળી શકે છે.
આ પણ વાંચોઃ ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મની
જસપ્રીત બુમરાહ પણ રેસમાં
ટીમ ઈન્ડિયાના સીનિયર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટી20 ફોર્મેટમાં કેપ્ટન બની શકે છે. તે ભારતીય ટીમની કમાન પહેલા પણ સંભાળી ચૂક્યો છે. તે બોલથી સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ટી20 વિશ્વકપમાં બુમરાહ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો. તેવામાં બીસીસીઆઈ બુમરાહના નામ પર પણ વિચાર કરી શકે છે.
શુભમન ગિલ પણ દાવેદાર
ભારતના યુવા સ્ટાર બેટર શુભમન ગિલ પણ ટી20ની કમાન સંભાળવાની રેસમાં છે. ગિલને ટી20 વિશ્વકપમાં રિઝર્વ ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો હતો. ગિલ એક શાનદાર બેટર છે, સાથે તે ગુજરાત ટાઈટન્સની કમાન પણ સંભાળી રહ્યો છે. ઝિમ્બાબ્વેના પ્રવાસે જનારી ભારતીય ટીમની કમાન પણ ગિલને સોંપવામાં આવી છે. તેવામાં ગિલ પણ ટીમની કમાન સંભાળવા માટે દાવેદાર છે.