IDN vs ENG: ચેન્નઈ ટેસ્ટમાં ભારતનો દબદબો, જીતથી 7 વિકેટ દૂર ટીમ ઈન્ડિયા
ચેન્નઈ ટેસ્ટમાં ત્રીજા દિવસની રમતના અંતે ભારતની સ્થિતિ મજબૂત છે. ટીમ ઈન્ડિયા મેચ જીતી સિરીઝમાં બરોબરી કરવાથી માત્ર 7 વિકેટ દૂર છે.
ચેન્નઈઃ ચેન્નઈ ટેસ્ટમાં ત્રીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ત્રીજા દિવસના અંતે ભારતીય ટીમે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. ભારતીય ટીમ બીજી ટેસ્ટમાં વિજયથી માત્ર સાત વિકેટ દૂર છે. ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 482 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેના જવાબમાં ઈંગ્લેન્ડે ત્રીજા દિવસે 19 ઓવરમાં 3 વિકેટે 53 રન બનાવ્યા છે. દિવસના અંતે લોરેન્ટ 19 અને જો રૂટ 2 રન બનાવી ક્રીઝ પર છે.
ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ
ભારતે આપેલા વિશાળ લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમને પ્રથમ ઝટકો 9મી ઓવરમાં લાગ્યો હતો. અક્ષર પટેલે સિબ્લીને 3 રન પર આઉટ કર્યો હતો. ત્યારબાદ અશ્વિને બીજી ઈનિંગમાં રોરી બર્ન્સને આઉટ કરી પોતાની વિકેટનું ખાતુ ખોલ્યું હતું. બર્ન્સે 25 રન બનાવ્યા હતા. ત્યારબાદ આવેલા જેક લીચને અક્ષર પટેલે રોહિત શર્માના હાથે કેચઆઉટ કરાવી ત્રીજો ઝટકો આપ્યો હતો.
ભારતની બીજી ઈનિંગ, અશ્વિનની સદી
ત્રીજા દિવસે ભારતીય ટીમ પોતાની બીજી ઈનિંગમાં 286 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી આર અશ્વિને શાનદાર સદી ફટકારતા 106 રન બનાવ્યા હતા. તેણે 148 બોલનો સામનો કરતા 14 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ત્રીજા દિવસે ભારતને પ્રથમ ઝટકો ચેતેશ્વર પુજારાના રૂપમાં લાગ્યો જે 7 રન બનાવી રનઆઉટ થયો હતો. ત્યારબાદ જેક લીચે રોહિત શર્માને આઉટ કરી ભારતને ત્રીજો ઝટકો આપ્યો હતો. ભારતે રિષભ પંત (8)ના રૂપમાં ચોથી વિકેટ ગુમાવી હતી. આ સફળતા પણ લીચને મળી હતી.
આ પણ વાંચોઃ રિષભ પંત 23 વર્ષની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર બેટ્સમેન, તોડ્યો ટીમ સાઉથીનો રેકોર્ડ
ત્યારબાદ અજિંક્ય રહાણે (10) મોઇન અલીનો શિકાર બન્યો હતો. ભારતે અક્ષર પટેલ (7)ના રૂપમાં છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. અક્ષર મોઇન અલીની ઓવરમાં LBW આઉટ થયો હતો. વિરાટ કોહલીએ પણ અડધી સદી ફટકારી હતી. અશ્વિને કોહલીનો સાથ આપતા ભારત માટે મહત્વની ભાગીદારી કરી હતી. કોહલી 62 રન બનાવી મોઇન અલીનો શિકાર બન્યો હતો. કુલદીપ યાદવને અલી અને ઇશાંત શર્માને ઓલી સ્ટોને આઉટ કર્યો હતો. ભારતે અશ્વિનના રૂપમાં અંતિમ વિકેટ ગુમાવી હતી.
ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ, ભારતીય બોલરોનો દબદબો
યજમાન ટીમને પ્રથમ ઝટકો રોરી બર્ન્સના રૂપમાં લાગ્યો જે શૂન્ય રન પર ઇશાંત શર્માના બોલ પર lbw આઉટ થયો. ઈંગ્લેન્ડને બીજો ઝટકો ડોમ સિબ્લીના રૂપમાં લાગ્યો જે 16 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. ભારતને ત્રીજા સફળતા અક્ષર પટેલે અપાવી હતી. તેણે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જો રૂટ (6)ને અશ્વિનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
બીજા દિવસે લંચ પહેલાના બોલ પર અશ્વિને ડેનિયલ લોરેન્સને ફસાવ્યો હતો. લોરેન્સ 9 રન બનાવી આઉટ થયો હતો. બેન સ્ટોક્સને બોલ્ડ કરીને અશ્વિને ભારતને પાંચમી સફળતા અપાવી હતી. મોહમ્મદ સિરાજે ઓલી પોપ (22)ને પંતના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. મોઇન અલી (6) અક્ષર પટેલનો શિકાર બન્યો હતો.
આ પણ વાંચોઃ IND vs ENG: અશ્વિને પાંચ વિકેટ લીધા બાદ ફટકારી સદી, બનાવ્યા અનેક રેકોર્ડ
જેક લીચ 5 રન બનાવી, અને બ્રોડ શૂન્ય રન બનાવી આઉટ થયા હતા. ઈંગ્લેન્ડ તરફથી વિકેટકીપર બેટ્સમેન બેન ફોકસે અણનમ 42 રન બનાવ્યા હતા. ભારત તરફથી અશ્વિનને 5, ઈશાંત અને અક્ષર પટેલને બે-બે અને સિરાજને એક સફળતા મળી હતી.
ભારતની પ્રથમ ઈનિંગ
ભારતે આજે 6 વિકેટે 300 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યુ હતુ, પરંતુ બીજા દિવસે ભારતને એક બાદ એક ઝટકા લાગ્યા અને ટીમનો સ્કોર 90 ઓવરમાં 8 વિકેટ પર 301 રન થઈ ગયો હતો. અક્ષર પટેલને સાતમાં વિકેટના રૂપમાં મોઇન અલીએ સ્ટમ્પ આઉટ કર્યો, જ્યારે ઈશાંત શર્મા કેચ આઉટ થયો હતો.
રિષભ પંતે 65 બૂોલમાં 7 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અડધી સદી ફટકારી હતી. ભારતને નવમો ઝટકો કુલદીપ યાદવના રૂપમાં લાગ્યો હતો. અંતિમ વિકેટના રૂપમાં સિરાજ 4 રન બનાવી ઓલી સ્ટોનનો શિકાર થયો હતો.
મેચના પ્રથમ દિવસની વાત કરીએ તો ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતને ત્રણ શરૂઆતી ઝટકા લાગ્યા, જ્યારે કેપ્ટન વિરાટ કોહલી, શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારા જલદી આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ રોહિત શર્માએ 162 અને રહાણેએ 67 રન બનાવી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube