હાલમાં જ બાર્બાડોસમાં ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ રમાઈ ગઈ અને તેમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રીકાને 7 રનથી હરાવી દીધુ. જો કે હવે ત્યારબાદ ટીમ ઈન્ડિયા એક મોટી મુશ્કેલીમાં મૂકાઈ છે. કારણ કે ચક્રવાત બેરિલના એલર્ટના પગલે તમામ ફ્લાઈટ ત્યાં રદ કરાઈ છે.  ભારતીય ખેલાડીઓની દેશમાં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે પરંતુ ચક્રવાત બેરિલના કારણે ટીમ બાર્બાડોસથી નીકળી શકતી નથી. હવે આ મામલે લેટેસ્ટ અપડેટ એ આવ્યા છે કે બાર્બાડોસમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ખુબ વરસાદના કારણે ત્યાં કરફ્યૂ લાગેલો છે. આથી ટીમ ઈન્ડિયા હવે આજે પણ ત્યાંથી નીકળી શકે તેવી સંભાવના ઓછી જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે પાછી ફરશે સ્વદેશ
ભારતીય ટીમ સોમવારે દુબઈ માટે બાર્બાડોસથી ન્યૂયોર્ક જવાની હતી અને પછી દુબઈથી ભારત પાછી ફરવાની હતી. પરંતુ ભારે પવનના કારણે ટીમ ઈન્ડિયા ત્યાંથી નીકળી શકી નથી. લેટેસ્ટ અપડેટ મુજબ બાર્બાડોસમાં ખુબ પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે વરસાદના પગલે વીજળી અને વોટર સપ્લાય પણ પ્રભાવિત થયા છે. ભારતીય ટીમ હાલ હોટલમાં હિલ્ટનમાં ફસાયેલી છે.  પરંતુ છેલ્લે મળતી માહિતી મુજબ ભારતીય ટીમ મંગળવારે બાર્બાડોસના સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગે રવાના થશે અને ભારતમાં બુધવારે સાંજે 7.45 વાગે દિલ્હીમાં લેન્ડ કરશે. 



સૂર્યા-જયસ્વાલે શેર કર્યો વીડિયો
બાર્બાડોસથી સતત ભારતીય ટીમના ખેલાડીઓ તરફથી અલગ અલગ પ્રકારની પોસ્ટ જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા હજુ પણ જીતની ઉજવણી કરી રહી છે. ભારતના સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવે સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે જેમાં સમુદ્રના કિનારે ભારે પવન ફૂંકાતો જોઈ શકાય છે. વીડિયો સાથે સ્કાઈએ એક ફિલ્મનો ડાઈલોગ લખ્યો છે કે હવા તેજ ચાલી રહી છે દિનકર રાવ ટોપી સંભાલો. આ ઉપરાંત યશસ્વી જયસ્વાલે પણ સ્ટોરી પર તેજ હવાનો એક વીડિયો શેર કર્યો છે. 


રોબિન સિંહે પણ આપી અપડેટ
પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ રોબિન સિંહ પણ હાલ બાર્બાડોસમાં છે. તેઓ પણ તોફાન બેરિલના કારણે હોટલમાં ફસાયા છે. તેમણે સોશિયલ મીડિયામાં બાર્બાડોસમાં પોતાની હોટલથી કેટલાક વીડિયો પણ શેર કર્યા છે. તેમણે કહ્યું કે પવન એટલો વધી ગયો છે કે તે ભયાનક થઈ ગયો છે. અમને અમારા રૂમમાં જવાનું કહેવાયું છે. ટીમ ઈન્ડિયાએ બ્રેકફાસ્ટ કરી લીધો છે. 



જય શાહે સાંત્વના આપી
ટીમ ઈન્ડિયા સાથે બીસીસીઆઈ સચિવ જય શાહ પણ ફાઈનલ બાદથી બાર્બાડોસમાં જ છે. તેમણે આ મુદ્દે લેટેસ્ટ અપડેટ આપી હતી. તેમણે કહ્યું કે, અમે સોમવાર માટે એક ચાર્ટર ફ્લાઈટની કોશિશ કરી રહ્યા હતા. એરપોર્ટ બંધ હોવાના કારણે તે વિકલ્પ લગભગ બંધ થઈ ચૂક્યો છે. અમે ચાર્ટર પ્લેનનું સંચાલન કરનારાઓના સંપર્કમાં છીએ પરંતુ હાલની સ્થિતિમાં કોઈ વિમાન અહીં ઉતરી શકે તેમ નથી કે ઉડાણ ભરી શકે તેમ નથી. અમે અમેરિકા કે યુરોપમાં ઈંધણ ભર્યા બાદ સીધા ભારત માટે ઉડાણ ભરવાનો પ્લાન કરી રહ્યા છીએ. પરંતુ મંગળવાર બપોર સુધી એરપોર્ટ બંધ રહે તેવી શક્યતા છે. જો હવામાનમાં સુધારો થશે તો તે તેના પહેલા પણ ખુલી શકે છે. ફ્લાઈટ સંચાલન શરૂ કરવા માટે પવનની ગતિ ઓછી હોવી જોઈએ. તમે પ્રકૃતિ સામે લડી શકો નહીં. આપણે રાહ જોવાની જરૂર છે. 



ક્યાં છે બાર્બાડોસ
બાર્બાડોસ એક કેરેબિયન દેશ છે. તેની ઉત્તરમાં સેન્ટ લૂસિયા, પશ્ચિમમાં સેન્ટ વિન્સેટ અને ગ્રેનેડાઈન્સ છે. બાર્બાડોસ એક નાનકડો ટાપુ છે. 2022ના રિપોર્ટ મુજબ તેની વસ્તી લગભગ 3 લાખ છે.