ફિરોઝશાહ કોટલામાં કોહલીના સ્ટેન્ડનું અનાવરણ, ટીમ ઈન્ડિયા રહેશે હાજર
ગુરૂવારે દિલ્હી જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA) ઐતિહાસિક કોહલી સ્ટેન્ડનું અનાવરણ કરશે. આ તકે વિરાટ સહિત ટીમ ઈન્ડિયાના બધા ખેલાડીઓ હાજર રહેશે.
નવી દિલ્હીઃ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં વેસ્ટ ઈન્ડિઝને પરાજય આપીને પોતાની પ્રથમ જીત મેળવનારી ભારતીય ટીમ આગામી સિરીઝ પહેલા ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ભેગી થશે. આ તકે દિલ્હીના ઐતિહાસિક ફિરોઝ શાહ કોટલા મેદાન પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના નામ પર રાખવામાં આવેલા ખાસ સ્ટેન્ડનું અનાવરણ કરવામાં આવશે, જેની સાક્ષી પૂરી ભારતીય ટીમ બનશે. દિલ્હી જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA) ગુરૂવારે જ વિરાટ કોહલીના નામ પર બનેલા સ્ટેન્ડનું અનાવરણ કરશે.
ભારતીય ટીમ અહીં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી ટી20 સિરીઝ માટે ભેગી થશે. બોર્ડના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, ટીમ ગુરૂવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ભેગી થશે અને પછી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી ટી20 મેચ માટે ધર્મશાળા જશે.
અધિકારીએ કહ્યું, 'ટીમનો બ્રેક બુધવારે પૂરો થઈ રહ્યો છે અને ટીમના ખેલાડી ગુરૂવારે દિલ્હીમાં એકત્રિત થઈ રહ્યાં છે. ત્યાંથી તે શુક્રવારે ધર્મશાળા જશે. ટીમના નવા બેટિંગ કોચ વિક્રમ રાઠોડ પણ ટીમ સાથે જોડાશે. તેઓ કોચિંગ સ્ટાફનો નવો ચહેરો છે. તે સંજય બાંગરનું સ્થાન લેશે.'
ભારતે ડિ કોકની આગેવાની વાળી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ધર્મશાળા સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમવાની છે. ત્યારબાદ ટીમ બીજી ટી20 માટે મોહાલી જશે, જ્યાં 18 સપ્ટેમ્બરે મેચ રમાશે. અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મુકાબલો બેંગલુરૂમાં 22 સપ્ટેમ્બરે રમાશે. દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલા ભારત પહોંચી ચુકી છે.