INDvsWI 3rd ODI : ટીમ ઇન્ડિયાએ 15 ઓગસ્ટે પહેલીવાર આપી જીતની ગિફ્ટ
ભારતીય ક્રિકેટ ટીમે સ્વતંત્રતા દિવસે દેશને જીતની ગિફ્ટ આપી છે
નવી દિલ્હી : વિરાટ કોહલીના વડપણ હેઠળની ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝે ત્રીજી વન ડેમાં પણ હરાવી દીધું છે. આ સાથે જ ટી20 સિરીઝ પછી હવે વન ડે સિરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. ભારતે આ જીતમાં અનેક રેકોર્ડ તોડ્યા અને બનાવ્યા છે. આ તમામ રેકોર્ડ વચ્ચે એક સંયોગ એવો બન્યો છે જે દરેક ભારતીયને ખુશ કરી ગયો છે. ભારતીય ટીમે પહેલીવાર 15 ઓગસ્ટે કોઈ ક્રિકેટ મેચમાં જીત મેળવી છે. આ રીતે વિરાટ કોહલીની ટીમ આઝાદીની 73મી વર્ષગાંઠ પર દેશવાસીઓને જીતની ગિફ્ટ આપી છે.
હકીકતમાં આ મેચ ઓન રેકોર્ડ તો 14 ઓગસ્ટે રમવામાં આવ્યો હતો પણ ટાઇમિંગ એવો હતો કે જ્યારે ભારતીય ટીમે જીત મેળવી ત્યારે ભારતમાં 15 ઓગસ્ટનું આગમન થઈ ગયું હતું અને સવારના સાડાત્રણ વાગ્યા હતા. આ મેચ વેસ્ટ ઇન્ડિઝના પોર્ટ ઓફ સ્પેનમાં રમવામાં આવી હતી. વરસાદથી પ્રભાવિત આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે 35 ઓવરમાં 7 વિકેટ પર 240 રન બનાવ્યા હતા. આ પછી ભારતને ડકવર્થ લુઇસ નિયમ અંતર્ગત આટલી જ ઓવરમાં 255 રન બનાવવાનું લક્ષ્ય મળ્યું હતું. ભારતે 4 વિકેટ ગુમાવીને 33મા ઓવરમાં આ લક્ષ્ય મેળવી લીધું હતું.
ભારતીય ક્રિકેટ ટીમે સ્વતંત્રતા દિવસેના દિવસે ભાગ્યે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવાનું પસંદ કર્યું હતું. વન ડે ક્રિકેટમાં પહેલીવાર ભારતીય ટીમ 15 ઓગસ્ટના દિવસે મેદાનમાં હતી. ટેસ્ટમેચમાં પાંચ વાર એવી તક મળી હતી જ્યારે ટીમ 15 ઓગસ્ટે મેદાન પર હતી પણ આ પાંચ મેચો ડ્રો રહી છે.